બન્નીના ભિરડીયારામાં ખેડૂતોના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવાયાનો આક્ષેપ!

ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોની રોજીરોટી સામે સંકટ; ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી
ભિરડીયારા, કચ્છ
કચ્છ ના સરહદી છેવાડે આવેલા બન્ની વિસ્તારના ભિરડીયારા ગામમાં ખેડૂતોના ઉભા પાક પર ફોરેસ્ટ વિભાગ દ્વારા ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.ભિરડીયારા વિસ્તારના અનેક પરિવારો ખેતી અને પશુપાલન પર નિર્ભર રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા સંજોગોમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપોને પગલે ખેડૂતોની આજીવિકા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ખેતી કરેલા પાક પર ટ્રેક્ટર ફેરવવાની કાર્યવાહીથી તેમને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને ધાકધમકી આપવામાં આવી હતી.આ સમગ્ર મામલે હબીબ જત અને રાયશી અયુબ હારૂને સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત ઉકેલ લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ આ મામલે કાયદાકીય લડત આપવાની અને ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી દર્શાવી છે.વધુમાં, ગ્રામજનોના આક્ષેપ મુજબ, આજે સવારે ધોરડો પોલીસ સ્ટેશનનાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને ફોરેસ્ટ વિભાગના RFO ઈશ્વરભાઈ મહેશ્વરી દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી. યોગ્ય નોટિસ આપ્યા વિના ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, તંત્ર સમક્ષ ગ્રામજનોની ન્યાયની માંગ
ભિરડીયારાના ગ્રામજનોએ સંબંધિત તંત્ર સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની, પાકને થયેલા નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે.
ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોની આજીવિકાને ધ્યાનમાં રાખીને તંત્ર આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી અપેક્ષા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.