વિશ્વ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના અજયભાઈ વારસુરે બે ગોલ્ડ મેડલ જીતી વધાર્યું ગુજરાતનું ગૌરવ
કચ્છ કમલમ્ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના હસ્તે અજયભાઈનું સ્વાગત અને સન્માન કરાયું.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અવધનગરના વતની અને વણકર સમાજના યુવાન શ્રી અજયભાઈ શ્યામજીભાઈ વારસુરેએ નેપાળમાં યોજાયેલી વિશ્વકક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતીને કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. તેમની આ અભૂતપૂર્વ સિદ્ધિથી કચ્છવાસીઓમાં ગૌરવની લાગણી પ્રસરી છે.અજયે ફુલ પાવરલિફ્ટિંગ (SBD) ગેમમાં અને અંડર-19 સબ-જુનિયર કેટેગરીના અંડર-100 કિલો વજન વર્ગમાં ડેડલિફ્ટ સ્પર્ધામાં, એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ લેવલ પર પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છ કમલમ્, ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદજીના હસ્તે અજયભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવજીભાઈ એ અજયભાઈની સખત મહેનત, દૃઢ મનોબળ, શિસ્ત અને રમતગમત પ્રત્યેના સમર્પણને બિરદાવી તેમની આંતરરાષ્ટ્રીય સફળતાને વધાવી હતી અને જણાવ્યું હતું કે
અજયભાઈએ પોતાની પ્રતિભા, અથાગ પરિશ્રમ અને અડગ સંકલ્પના બળે વિશ્વકક્ષાની સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય અને સતત મહેનતથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેમની આ સિદ્ધિ કચ્છના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી ઊર્જા પૂરી પાડશે.
આ પ્રસંગે ઉપસ્થિત પાર્ટી ના તેમજ સામાજિક સૌ આગેવાનોએ અજયભાઈને તેમની શાનદાર સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ રમતગમત ક્ષેત્રે આવી જ સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ વિશ્વકક્ષાએ વધુ ઉજ્જવળ બનાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવાયું હતું