એપસ્ટીન સાથે પુરીની તસવીરો વાયરલ

અમેરિકી યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે ભારતીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની તસવીરો વાયરલ થતાં ફરી વિવાદનો વંટોળ સર્જાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી પુરી સતત કહેતા રહ્યા છે કે, એપસ્ટીનને માત્ર પ્રતિનિધિ મંડળ સાથે મળ્યા હતા. અલગથી કદી મુલાકાત નથી થઈ. તેમના આ દાવાને ધ્યાને લેતાં આ તસવીરો મહત્ત્વની મનાઈ રહી છે. તસવીરો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સવાલ કર્યો હતો કે, પુરી એપસ્ટીનને મળ્યા નથી, તેવા દાવા કરે છે, તો આ તસવીરો ક્યાંથી આવી. તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, સામે આવી છે તે તસવીરોમાં પ્રતિનિધિ મંડળના બાકીના સભ્યો ક્યાં છે? અમેરિકી ન્યાય વિભાગ તરફથી જારી કરાયેલા દસ્તાવેજોના નવમા સેટમાં કમસે કમ નવ તસવીર છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીયમંત્રી પુરીએ લોકસભામાં એપસ્ટીન ફાઈલોના મુદ્દે રાહુલ ગાંધીએ મૂકેલા આરોપો ફગાવી  દીધા હતા. પુરીએ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતનું પદ છોડયા બાદ મંત્રી મંડળમાં જોડાવા પહેલાં મળ્યો હતો તે વ્યાવસાયિક મુલાકાત હતી. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સવાલ કર્યો હતો કે એપ્સ્ટીન સાથે પુરીના સંપર્કોની જાણકારી હોવા છતાં વડાપ્રધાને શું પગલાં લીધાં? વેણુગોપાલે મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણના મુદ્દે પણ સરકાર પાસે જવાબ માગ્યો હતો. એનસીપી ના પ્રવક્તા અનીશ ગાવંડેએ આ તસવીરોને ગંભીર ગણાવીને પુરી પાસે એપ્સ્ટીન સાથેની મુલાકાતોના હેતુ અંગે સ્પષ્ટતા માગી હતી.