`ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત-2082’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના હસ્તે ઉદ્ધાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2082નું વિમોચન કર્યુ હતું.સૂત્રો પરથી મળતી માહિતી રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર `ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – 2082માં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલાં સાહિત્યની સૌરભથી વાચકમિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક લેખો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડયા, ડો. કુમારપાળ દેસાઈ, રઘુવીરભાઈ ચૌધરી, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ દળદાર અંક 28 અભ્યાસલેખો, 28 નવલિકાઓ, 16 વિનોદિકાઓ, 9 નાટિકા અને 89 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 52 જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, અગ્રસચિવ સંજીવ કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ ડો. વિક્રાંત પાંડે, અધિક માહિતી નિયામક ડો. સંજય કચોટ તથા સંયુક્ત માહિતી નિયામક જયેશ દવે સહિત માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.