ગામડા બાદ હવે શહેરોમાં અંધારપટનો ખતરો, ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ મલક સુધી સાંજે 4થી રાત્રે 12 સુધી વીજકાપ, ઉદ્યોગો ઠપ, ખેડૂતો લાલઘૂમ, દિવાળી પહેલા જ સરકારની આકરી કસોટી!

ગુજરાતમાં વીજ સંકટની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. ગામડામાં વીજકાપ બાદ હવે શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વીજકાપ શરૂ થતા ઉદ્યોગકારો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજકાપ શરૂ થઈ ગયો છે. કેટલીક જગ્યાએ સતત કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા GIDC વિસ્તારોના કારખાનાઓના મશીનો થંભી ગયા છે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધીના ઔદ્યોગિક વિસ્તારોમાં આની સીધી અસર જોવા મળી રહી છે.

કેટલાક વિસ્તારોમાં તો સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો લાંબો વીજકાપ આપવામાં આવી રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી આ સમય ઉત્પાદન માટે પીક સીઝન ગણાય છે ત્યારે જ વીજકાપ આવતા ઉદ્યોગજગતની ચિંતા અનેકગણી વધી ગઈ છે.

ખેડૂતોનો સવાલ – અમારા ખેતરમાં કાપ તો CM હાઉસમાં કેમ નહીં?

બીજી તરફ ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. જો ઉત્પાદન અટકશે તો ઓર્ડર સમયસર પૂરા નહીં થાય, માલની ડિલિવરી અટકી જશે અને ખેડૂતોના પાકને પાણી ન મળતા ઉભા પાક સુકાઈ જવાનો ભય છે.

ખેડૂતોનો સીધો સવાલ છે કે જ્યારે ખેતરોમાં વીજળી કાપવામાં આવે છે તો મુખ્યમંત્રી નિવાસ અને સચિવાલયમાં કેમ નથી? ખેડૂતો અને ઉદ્યોગકારોની એક જ માંગ છે કે વીજ સંકટની સ્થિતિમાં સરકાર વીજ બચત માટેના નિયમો તમામ વર્ગો માટે સમાન રીતે લાગુ કરે.

હાલ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે તો આ લાંબો વીજકાપ વધુ ગંભીર બની રહ્યો છે કારણ કે તેમની પાસે વૈકલ્પિક પાવર વ્યવસ્થા કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે.