શાળા પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી અંગેના પરિપત્ર સામે કચ્છ કોંગ્રેસનો વિરોધ
ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને બહારની વ્યક્તિઓની મુલાકાત અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની સુરક્ષાના નામે બહાર પાડવામાં આવેલા પરિપત્ર ઘણો જ ગંભિર છે. શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે લાવતાં વાલીઓ, પત્રકારો અને જાગૃત નાગરિકો પર નિયંત્રણો લાદવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરતાં કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, “બાળકોની સુરક્ષા અનિવાર્ય છે, પરંતુ બાળ સુરક્ષાના નામે સરકારી શાળાઓની વહીવટી નિષ્ફળતા છુપાવવાનો અધિકાર સરકારને કોઈએ આપ્યો નથી.” સરકારી શાળાઓ કોઈ રાજકીય પક્ષની ખાનગી જાગીર નથી. તે જનતાના કરવેરાના નાણાંથી ચાલતી જાહેર સંસ્થાઓ છે. શાળાઓમાં શિક્ષકોની અછત, જર્જરિત ઇમારતો, વર્ગખંડોની અછત, ગંદા શૌચાલયો, પીવાના પાણીની સમસ્યા અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા જેવા પ્રશ્નો સામે આવે ત્યારે સરકાર જવાબદારી સ્વીકારવાને બદલે કેમેરા અને નાગરિકોની નજર પર નિયંત્રણ મૂકવા કેમ ઉત્સુક બને છે? સરકારનો પ્રથમ ધર્મ શાળાઓની સ્થિતિ સુધારવાનો છે, નહીં કે શાળાઓની સ્થિતિ જાહેર કરનારાઓને અટકાવવાનો. ગુજરાતમાં અંદાજે ૪૦ હજાર શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનો મુદ્દો ગંભીર છે. સરકાર યાદ રાખે કે કેમેરા પર નિયંત્રણ મૂકવાથી શાળાની ખામી દૂર થતી નથી, પરિપત્ર બહાર પાડવાથી શિક્ષકની ખાલી જગ્યા ભરાતી નથી અને ધમકીથી શિક્ષણની ગુણવત્તા સુધરતી નથી. ગુજરાતના બાળકોને પ્રચારની તસવીરો નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત શાળા અને પૂરતા શિક્ષકો જોઈએ છે.
આશરે ૪૨૦૦૦ જેટલા – જર્જરીત ઓરડા – વર્ગખંડોની અછત અંગે પણ વારંવાર સવાલો ઊઠ્યા છે. રાજ્યમાં આશરે ૩૦૦૦ શાળાઓ એક જ શિક્ષકના સહારે ચાલે છે અને તેમાં ૮૦ હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે. બીજી તરફ, ગુજરાતની ૧૪,પકર શાળાઓમાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ચિંતાજનક છે. જો આ આંકડાઓ અંગે સરકાર પાસે અલગ માહિતી હોય, તો સરકારે પ્રતિબંધો લાદવાને બદલે સત્તાવાર આંકડા અને શાળાવાર વિગતો જાહેર કરવી જોઈએ.એક તરફ શિક્ષકોને 50 થી વધુ બિનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે, શિક્ષક ભરતીમાં વિલંબ થાય છે અને અનેક શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો છે; બીજી તરફ, શાળાની વાસ્તવિક સ્થિતિનો દસ્તાવેજી પુરાવો સામે લાવનારાઓને લેખિત મંજૂરી, મુલાકાત રજિસ્ટર અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પરવાનગીના નામે રોકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સરકારને બાળકોના ભવિષ્યની ચિંતા વધારે છે કે પોતાની નિષ્ફળતા જાહેર થઈ જવાની ચિંતા? ભાજપના નેતાઓ અને સરકારના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની હાજરી, પ્રવેશોત્સવ અને રાજકીય પ્રચાર માટે બાળકોનાં દૃશ્યોનો ઉપયોગ થતો હોય ત્યારે તેમની ગોપનીયતા અને સુરક્ષાના નિયમોનો સમાન રીતે અમલ થાય છે કે નહીં, તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. બાળકોને રાજકીય કાર્યક્રમોમાં લઈ જવા, તેમની તસવીરોનો પ્રચાર માટે ઉપયોગ કરવા અને શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાં જોડવા અંગે પણ સમાન માપદંડ હોવા જોઈએ. બાળકોની સુરક્ષા કોઈ પક્ષના પ્રચાર માટે અલગ અને નાગરિકોની દેખરેખ માટે અલગ હોઈ શકે નહીં.
કોંગ્રેસ સ્પષ્ટ કરે છે કે બાળકોની ઓળખ, વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાનું રક્ષણ થવું જ જોઈએ. POCSO કાયદાનો હેતુ બાળકોને જાતીય શોષણથી સુરક્ષિત રાખવાનો છે; તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના દુરુપયોગ સામે કાયદેસર કાર્યવાહી માટે થવો જોઈએ, પરંતુ શાળાની ઈમારતની ખામી, શિક્ષકોની અછત કે પાયાની સુવિધાઓના અભાવ અંગે જાહેર હિતમાં પ્રશ્ન ઉઠાવનારાઓને ડરાવવા માટે આ કાયદાનું નામ આગળ ધરી શકાય નહીં. સુરક્ષા અને પારદર્શિતા એકબીજાના વિરોધી નથી. યોગ્ય નિયમો સાથે બંનેનું રક્ષણ શક્ય છે.
સરકારના પરિપત્રની કાયદેસરતા અને તેની મર્યાદાઓ અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે. બંધારણની કલમ ૧૯(૧)(a) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શિક્ષણના અધિકાર હેઠળ શાળા
વ્યવસ્થાપન સમિતિઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને નિયમો ઘડવા જોઈએ. બાળકોની સુરક્ષા માટે વાજબી નિયંત્રણો હોઈ શકે છે, પરંતુ તે મનસ્વી, અતિશય વ્યાપક કે જાહેર જવાબદારીને નબળી પાડનારા ન હોવા જોઈએ. આચાર્યની મંજૂરીની શરતથી કાયદેસર નિરીક્ષણ, માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ માહિતી મેળવવી કે જાહેર હિતના પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર આપમેળે સમાપ્ત થતો નથી.
કચ્છ કોંગ્રેસની માગણી છે કે સરકાર આ પરિપત્રની તાત્કાલિક સમીક્ષા કરે, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ભૂમિકા સ્પષ્ટ કરે, બાળકોની ગોપનીયતાનું રક્ષણ જાળવીને પત્રકારો અને નાગરિકો માટે પારદર્શક અને વાજબી નિયમો જાહેર કરે. સાથે જ શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરે, એકલ શિક્ષકવાળી શાળાઓમાં પૂરતા લાયક શિક્ષકોની નિમણૂક કરે, જરૂરી વર્ગખંડો બનાવે, અસુરક્ષિત ઇમારતોનું સમારકામ કરે અને પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલયો તથા ગુણવત્તાયુક્ત મધ્યાહ્ન ભોજન સુનિશ્ચિત કરે.