કબરાઉ નજીક પ્લાયવૂડના એકમમાં આગ લાગતાં તંત્રમાં દોડધામ

ભચાઉ તાલુકાના કબરાઉ ગામ પાસે આવેલા પ્લાયવૂડના એકમમાં કોઈ કારણોસર આ ભભૂકી ઊઠતાં તંત્રમાં દોડધામ મચી હતી.સૂત્રો પરથી મળતી માહિતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગેલેક્સી હોટલ પાછળ આવેલા પેંગ્વિલ પ્લાયવૂડ નામના એકમમાં કોઈ પ્રકારે ગઈકાલે રાત્રિના 1.30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટી આગના અહેવાલ મળતાંની સાથે ભચાઉ અગ્નિશમન દળની ટુકડી તાબડતોબ આવી પહોંચી હતી. આ ઉપરાંત આરતી ઈન્ડસ્ટ્રીઝ તેમજ કંડલા ટિમ્બરની પણ ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો હતો. અગ્મિનશમન દળની ટીમે સતત પાણી મારો ચલાવ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં આ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. પ્લાયવૂડના એકમમાં આગને પગલે દૂર-દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા. આ બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. આગમાં માતબર રકમનો માલ બળીને ખાખ થયો હતો. આ આગના બનાવ અંગે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ હતી. અબલત્ત સત્તાવાર રીતે આગનું કારણ જાણી શકાયું ન હતું. આગામી દિવસોમાં ફોરેન્સિક સાયન્સ વિભાગના તજજ્ઞોને મદદ લેવા સહિતની દિશામાં કાર્યવાહી થશે તેવું માહિતગારોએ ઉમેર્યું હતું.