ભુજના ભીરંડીયારામાં ફૂડ વિભાગની કાર્યવાહી: શંકાસ્પદ ગુણવત્તાવાળા ૬૯૯ કિલો પનીરનો સ્થળ પર કરાયો નાશ

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા.૨૩/૧૦/૨૦૨૬ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર શ્રી એમ. એમ. પટેલ અને શ્રી એસ. બી. પટેલ દ્વારા ભુજ તાલુકાના ભીરંડીયારા સ્થિત ‘મેં. પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મ’ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન પેઢી દ્વારા દૂધ અને તેની બનાવટોનો વ્યાપારી ધોરણે વેપાર થતો હોવાનું જણાયું હતું. સ્થળ પર પનીર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા તે તદ્દન શંકાસ્પદ અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વિરુદ્ધ હોવાનું માલૂમ પડ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ ની જોગવાઈઓ અનુસાર, પેઢીમાંથી શંકાસ્પદ પનીર અને દૂધની બનાવટોના કાયદેસરના નમૂના લઈ, ગુણવત્તા ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
પેઢીમાંથી મળી આવેલ પનીર અને દૂધની બનાવટનો જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાતો હોવાથી કાયદાની માર્ગદર્શિકા મુજબ જાહેર આરોગ્યના હિતમાં અંદાજે ૬૯૯ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો પંચની રૂબરૂમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ, કાયદાકીય નિયમોનુસાર સંબંધિત પેઢી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા તમામ ખાદ્ય પદાર્થ ઉત્પાદકો અને વેપારીઓને જણાવાયું છે કે, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે બિનઆરોગ્યપ્રદ વ્યવસાય ચલાવનાર સામે ભવિષ્યમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે.