ખડગેની ટિપ્પણી સામે ભાજપનું પ્રદર્શન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા દેશભરમાં પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં.સૂત્રો પરથી મળતી માહિતી દિલ્હીમાં થયેલાં પ્રદર્શનમાં હર્ષ મલ્હોત્રા સહિતના ઘણા નેતાઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા. દિલ્હીમાં થયેલાં પ્રદર્શનમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ વરિષ્ઠ નેતાઓ સાથે પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રદર્શન સેના ભવન સર્કલ, રાજાજી માર્ગ પાસે થયું હતું. બાદમાં દિલ્હી પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રાજાજી માર્ગેથી હર્ષ મલ્હોત્રાની અટકાયત કરી હતી. તેમની સાથે દિલ્હી ભાજપ ઉપાધ્યક્ષ રાજેશ ભાટિયા અને મહાસચિવ મોહનલાલ ગિહારાની પણ અટકાયત થઈ હતી. આવી જ રીતે દેશમાં અન્ય સ્થળોએ પણ ખડગેના ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.  આ પૂરો વિવાદ બિહારના પહેલાં મુખ્યમંત્રી શ્રીકૃષ્ણસિંહની જયંતી ઉપર પટણામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન શરૂ થયો હતો. કાર્યક્રમમાં ખડગેનાં ભાષણ દરમિયાન એક વ્યક્તિએ કથિત રીતે પીએમ મોદી ક્યાંય જશે નહીં તેવી વાત કરી હતી. જેના જવાબમાં ખડગે ઉશ્કેરાયા હતા અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે ભાજપ દ્વારા ખડગે અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા.