આઇ.ટી.આઇ. કોઠારા ખાતે ૨૯મી ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન સેમિનાર યોજાશે

રાજ્યના નોકરી ઈચ્છુક યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના સરકારના અભિગમ અંતર્ગત કચ્છમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.), કોઠારા અબડાસાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઇ.ટી.આઇ. કોઠારા ખાતે ‘રોજગાર ભરતી મેળો’, ‘સ્વરોજગાર શિબિર’ અને ‘માર્ગદર્શન સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોજગાર ભરતી મેળામાં કચ્છ જિલ્લાના ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને નામાંકિત નોકરીદાતાઓ રૂબરૂ ઉપસ્થિત રહેશે અને યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. નોકરીદાતાઓ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ક્ષેત્રોમાં ૧૦૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે નોંધણી કરાવવામાં આવી છે. આ કાર્યક્રમ થકી સ્થાનિક યુવાનોને સીધી રોજગારી મળવાની સાથે સાથે સ્વરોજગાર શરૂ કરવા અંગેની સરકારી યોજનાઓ અને કારકિર્દી ઘડતર અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

રોજગાર ભરતી મેળામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી.), ધોરણ ૧૨ (એચ.એસ.સી.), આઇ.ટી.આઇ. (ITI) પાસ તેમજ સ્નાતક (ગ્રેજ્યુએટ) કક્ષાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. નોકરી મેળવવા ઇચ્છુક તમામ ઉમેદવારોને તેમના શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો, અનુભવના પ્રમાણપત્રો અને અદ્યતન બાયોડેટા સાથે સ્વખર્ચે આઈ.ટી.આઈ કોઠારા ખાતે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી કચ્છ દ્વારા જણાવાયું છે.