નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાની વિવિધ આરોગ્યલક્ષી સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા, રાષ્ટ્રીય કાર્યક્રમોના અમલીકરણ અને રોગચાળા નિયંત્રણ સહિતની કામગીરીની સઘન સમીક્ષા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વિવિધ ૧૭ જેટલી આરોગ્યલક્ષી સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની પ્રગતિ અને નિર્ધારિત લક્ષ્યાંકોની સિદ્ધિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેથી સરકારી આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે અને કોઈ વંચિત ન રહી જાય.
આ બેઠક દરમિયાન જિલ્લા સંચારી રોગ સમિતિ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) હેઠળની જિલ્લા કક્ષાની કોર કમિટી, જિલ્લા ગુણવત્તા ખાતરી સમિતિ (DQAC), પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–મા યોજના ફરિયાદ નિવારણ સમિતિ (PMJAY-MA), ગવર્નિંગ બોડી કમિટી તેમજ જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન કમિટીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કિશોર આરોગ્ય સમિતિ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) હેઠળ જિલ્લા કન્વર્જન્સ સમિતિ, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, જન્મ-મરણ નોંધણી માટે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા ક્ષયરોગ ફોરમ સમિતિ તથા ક્ષયરોગ કોમોર્બિડિટી કો-ઓર્ડિનેશન સમિતિ (NTEP) ની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. સાથે જ, જિલ્લા ફાયર સેફ્ટી ઓડિટ સમિતિ, જિલ્લા એઈડ્સ નિવારણ અને નિયંત્રણ સમિતિ (DAPCC), રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (NVHCP), જિલ્લા સમુદાય સંસાધન જૂથ (DCRG), રક્તસુરક્ષા સમિતિ તેમજ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સ્ટિયરિંગ એન્ડ મોનિટરિંગ કમિટીની કામગીરી અને ભાવિ આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં રોગચાળાની વહેલી ઓળખ, રસીકરણ, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર દ્વારા સહાય તેમજ JOSH (Joint Squad for Health) ટીમ મારફતે યુવાનોની સક્રિય ભાગીદારી વધારવા પર ખાસ ભાર મુકાયો હતો. સાથોસાથ ફાયર સેફ્ટીને અદ્યતન બનાવવા, સ્વચ્છતા જાળવવા, રક્તની ઉપલબ્ધતા અને માતૃ-બાળ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસોને વધુ વેગવંતા બનાવવા સંકલિત આયોજન ઘડાયું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન રાખી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓનો સત્વરે લાભ પહોંચાડવા જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO), જિલ્લા ક્ષયરોગ અધિકારી (DTO), અધિક જિલ્લા આરોગ્ય અધિકારી (ADHO), જિલ્લા આરોગ્ય અધિકારી (DMO), જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી (DTTMO), જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી (RCHO) સહિત આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફાયર સેફ્ટી વિભાગ, PIU, આંગણવાડી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જી.કે. જનરલ હોસ્પિટલના અધિકારીઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા.