સાયક્લોનીક સર્કયુલેશન ઉપરાંત ગુજરાત પર છવાયેલી સક્રિય વરસાદી સિસ્ટમના પગલે કચ્છ જિલ્લો સતત 5માં દિવસે મેઘમહેરથી ભીંજાતા વધુ અડધોથી ત્રણ ઇંચ જેટલો વરસાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પડયો હતો.બુધવારે જિલ્લામાં સર્વાધીક વરસાદ ભુજની પટેલ ચોવીસીના ગામોમાં વરસ્યો હતો. કેરા, નારાણપર, બળદિયા , ભારાપર,સુરજપર સહિતના ગામોમાં 2થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ વરસાદનું જોર ખત્રી તળાવ સુધી વધુ જોવા મળ્યું હતું. વરસાદનું જોર એટલું હતું કે ભુજ-માંડવી રોડ પર આવેલ ખત્રીતળાવ પાસેનો માર્ગ જળમગ્ન બની ગયો હતો. વર્તમાન ચોમાસાની સિઝનમાં બુધવારનો વરસાદ સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. બળદિયાથી નારાણપર માર્ગ પરની પાપડી પુરજોશમાં વહેવા સાથે ભારાપર સહિતના ગામોમાં તળાવો છલોછલ ભરાઇ ગયા હતા.ભુજ શહેરમાં બપોરે દોઢ વાગ્યા પછી વાતાવરણ એકાએક પલટાયું હતું. જોતજોતામાં કાળા વાદળો ધોધમાર ઝડી રૂપે વરસાદ વરસવો શરૂ થયો હતો. કટકે કટકે વરસેલા ઝાપટાંનો આ દોર ચાર વાગ્યા સુધી જારી રહેતાં અડધો ઇંચ જેટલું પાણી પડયું હતું. વરસાદના કારણે માર્ગો પર પાણી ફરીવળ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર વધુ તો કયાંક અોછું જોવા મળ્યું હતું.નખત્રાણા તાલુકામાં પણ મેઘરાજાએ વતીઓછી મહેર વરસાવી હતી. તાલુકા મથકે માત્ર ઝાપટાં પડયા હતા જયારે લૈયારીમાં ધોધમાર વરસાદ વરસતાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. થોડા સમય માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો. તલ, વેડહાર, સુખપર રોહા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.