ગાંધીધામમાં અજાણી ટ્રકની હડફેટે બાઇકચાલક નું મોત

ગાંધીધામ શહેરમાં રામાપીરના મંદિર સામે ધોરીમાર્ગ ઉપર અજાણી ટ્રકના ચાલકે બાઇકને હડફેટમાં લેતાં ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. શહેરનાં સેક્ટર-10 જી.આઇ.ડી.સી. શાળા નજીક રહેનાર યુવાન ગત તા. 4-10ના સવારે બાઇક લઇને કામે જઇ રહ્યો હતો. બેન્સામાં કામે જઇ રહેલા આ યુવાનને રામાપીરના મંદિરની સામે ધોરીમાર્ગ ઉપર અકસ્માત નડયો હતો. અજાણી ટ્રકના ચાલકે આ બાઇકને હડફેટમાં લેતાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેને પ્રથમ રામબાગ, પછી ભુજ જી.કે. જનરલ અને પછી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. અજાણ્યા ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ શહેરના રેલવે પાટા પર કોઇ ટ્રેનની હડફેટે ચડતાં 32 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત થયું હતું.ગઇકાલે સાંજે અકસ્માતનો બનાવ બન્યો હતો. ગાંધીધામ રેલવે ટ્રેક એ.વી. જોશી પુલ પાસે કોઇ ટ્રેનની હડફેટે 32 વર્ષીય યુવાન ચડયો હતો, તેને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું અકાળે મોત થયું હતું. હોમગાર્ડના જવાન તેને હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, તેની ઓળખ માટે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.