બાલાસરમાં 180 અબોલ જીવને પોલીસે મુક્ત કરાવ્યા

રાપરના બાલાસર નજીક ટ્રકમાંથી 180 અબોલ જીવને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલી દેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી બાલાસર પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ધોળાવીરા ધોરીમાર્ગ તરફથી આવતી ટ્રકમાં અબોલ જીવ ખીચોખીચ ભરેલી હાતલમાં આવતા હોવાની પૂર્વ બાતમીના આધારે ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવાઈ હતી. દરમ્યાન ટ્રક માં તપાસ કરતાં 180 ઘેટાંને ખીચોખીચ અને હલી પણ ન શકે તેવી હાલતમાં બાંધેલાં હતાં. આ અબોલ જીવો માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ નહોતી તથા હેરફેર કરવા માટેની કોઈ પરવાનગી પણ ન હોવાથી ટ્રકમાં સવાર રાધનપુરના તથા ખાવડા- રતડિયાના શખ્સોની અટક કરાઈ હતી. આ અબોલ જીવોને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલી આપવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.