એકતાનગરમાં દેશની પરંપરાનો ધબકાર જોવા માંડ્યો હતો
એકતાનગર, ગૃહરાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે નર્મદા જિલ્લાના એકતાનગરમાં `ભારતપર્વ – 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાંસ્કૃતિક મહોત્સવમાં દેશની પરંપરાઓ, લોકકલાઓ, ક્ષેત્રિય વ્યંજનો, હસ્તશિલ્પ અને પર્યટન સ્થળોની ઝલક જોવા મળશે. રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ હેઠળ આયોજિત આ મહોત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે. પીએમ મોદીએ `આનંદમઠ’ની નાટય પ્રસ્તુતિ પણ નિહાળી હતી, જે બાદ તેમણે `એકતા પ્રકાશપર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને નર્મદાઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં ભાગ લીધો હતો. `એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને `શક્તિ ઓફ ભારત’ની થીમ પર આયોજિત ભારતપર્વ-2026ના આરંભ સાથે દેશની સાંસ્કૃતિક વિવિધતાનો ઉત્સવ શરૂ થયો છે. વડાપ્રધાને મહોત્સવનો પ્રારંભ કરાવી `કલ્ચરથી કોમર્સ’ના સંકલ્પને સાકાર કરતા વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લઈ પ્રદર્શિત સાંસ્કૃતિક વિરાસત નિહાળી હતી. ફૂલોથી તૈયાર કરાયેલી `ભારતપર્વ-2026’ની આકર્ષક રંગોળી પણ તેમણે નિહાળી હતી. આ દરમિયાન વડાપ્રધાને પરંપરાગત હસ્તકલા અને હાથશાળ સાથે જોડાયેલા કારીગરોના સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના કલા-કૌશલ્ય, ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. 1થી 15 નવેમ્બર-2026 દરમિયાન આયોજિત ભારત પર્વ મહોત્સવનો હેતુ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખને એક જ મંચ પર લાવવાનો છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 5,000 કલાકારો લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કલાઓની પ્રસ્તુતિ કરશે. ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મેઘાલય સહિતનાં રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ-વ્યંજનોનાં પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. નોંધનીય છે કે, એકતાનગર ખાતેનો આ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી માસમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા યોજાતા `ભારતપર્વ’થી અલગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડની જેમ વાર્ષિક `ભારત પર્વ’ યોજવાની જાહેરાત કરી હતી. દિપોત્સવીનું પર્વ અને રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાને પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક પ્રસ્તુતિ નિહાળી હતી.