હવે સમુદ્રમાં દુશ્મનોને ધ્રુજાવશે રાફેલ વિમાન દુશ્મનો પર ગરજશે

નવી દિલ્હી અત્યાધુનિક યુદ્ધવિમાન રાફેલ હવે સમુદ્રમાં પણ દુશ્મનો પર ગરજશે. નૌસેનાએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની યુદ્ધક ક્ષમતાને નવો આયામ આપી સીમાચિહ્ન સર કર્યું છે. ગુરૂવારે ફ્રાન્સ નિર્મિત અત્યાધુનિક યુદ્ધવિમાન રાફેલ મરીને સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત પર પોતાના પ્રથમ પ્રયાસે જ સફળ લેન્ડિંગ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ લેન્ડિંગ ભારતીય નૌસેનાના વિમાન કેરિયર અભિયાનોમાં આ વિમાનને સામેલ કરવાની દિશામાં મહત્ત્વનૃં પગલું છે. ભારતીય નૌસેના ગોવામાં રાફેલ મરીનની ફ્લાઈટ ટ્રાયલ કરી રહી છે. આ ટ્રાયલનો ઉદ્દેશ્ય એ બાબતની તપાસ કરવાનો છે કે શું તે વિમાન કેરિયરની સાથે કામ કરી શકે છે કે નહીં એમ સૂત્રોએ જણાવ્યૃં હતું. ઉલ્લેખનીય છે કે ભારતે 28 એપ્રિલ 2025ના ફ્રાન્સની સાથે 63 હજાર કરોડ રૂપિયાની ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ નૌસેના માટે 63 રાફેલ વિમાન ખરીદવામાં આવનાર છે. આ પેકેજમાં 22 સિંગલ સીટ-ફાઈટર અને ચાર ટ્વીન સીટ તાલીમ વિમાનનો સમાવેશ થાય છે. આ સાથે જ તેમાં હથિયાર, સિમ્યુલેટર, પ્રશિક્ષણ, જરૂરી ઉપકરણ અને લોજિસ્ટિક્સ સહયોગ પણ સામેલ છે. આ વિમાનોની ડિલીવરી 2030 સુધી પૂરી થવાની છે અને તે માટે ભારતીય નૌસેનાના જવાનોને ફ્રાન્સ અને ભારતમાં તાલીમ આપવામાં આવી રહી છે.