નલિયામાં ગુલાબી ઠંડીની ચમક જોવા મડી

image

ભુજ,કચ્છમાં હવે ધીમાં પગલે ગુલાબી ઠંડીની ચમક દસ્તક દઈ રહી છે. કચ્છી કાશ્મીર નલિયામાં લઘુતમ તાપમાન ગગડીને 17.4 ડિગ્રીએ પહોંચતાં ખાસ કરીને મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી અહીં વાતાવરણમાં શીતળતાનો અનુભવ થયો હતો. જિલ્લા મથક ભુજમાં ધૂંધળા માહોલ અને પવનની વધેલી ઝડપ વચ્ચે મહત્તમ તાપમાન ગગડીને 35.4 ડિગ્રીએ પહોંચતાં ગરમી-ઉકળાટમાં નોંધનીય રાહત મળી હતી. લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાતાં વાતાવરણમાં થોડી ઠંડક પણ અનુભવાઈ હતી. કંડલા પોર્ટમાં 34.9 ડિગ્રી મહત્તમ સામે 24.5 ડિગ્રી લઘુતમ, તો  કંડલા (એ.)માં 35.2 ડિગ્રી મહત્તમ સામે 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે હજુ બે -એક દિવસ આવું વાતાવરણ રહ્યા  બાદ ફરી એકવાર મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે, કચ્છમાં વાતાવરણ પલટાય તેવી શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. તજજ્ઞોના મતે દિવાળી આસપાસ શિયાળાના કચ્છમાં પગરણ થઈ જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.