છેલ્લા શ્વાસ સુધી જનતાની સેવા કરીશ : વડાપ્રધાન નરેન્દ્રમોદી

અમદાવાદ,ગુજરાતની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીલડીથી બનાસકાંઠા જિલ્લાના રૂા. 14,000 કરોડના વિકાસકામોનાં લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યાં હતાં. તેમણે રાજકીય ઘમસાણ સર્જનારી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની `મોદી કા બાપભી જાયેગા’ એવી વિવાદાસ્પદ ટિપ્પણીનો દેખીતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, મારાં જીવનની અંતિમ ક્ષણ સુધી હું જનતાની સેવા કરતો રહીશ. મોદીએ પીએમ કિસાન યોજનાનો લગભગ રૂા. 19,000 કરોડનો 24મો હપ્તો પણ રિલીઝ કર્યો હતો. શુક્રવારે સવારે વડાપ્રધાન ડીસા એરપોર્ટથી સીધા ભીલડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાનનાં આગમનને લઈને બનાસવાસીઓમાં જાણે વહેલી દિવાળી જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ભીલડીમાં યોજાયેલી ખાટલા સભાને સંબોધતાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પીએમએ રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે, બનાસકાંઠાના લોકો પહેલેથી બટાટામાંથી સોનું બનાવે છે. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જ જોવામાં આનંદ આવે છે. તેઓ મધ્ય-પૂર્વની કટોકટી વખતે ખાતર અને રાંધણગેસની અછતની અફવા ફેલાવે છે. વડાપ્રધાન દ્વારા ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (બીબીબીઆરસી)નું બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને ઇ-લોકાર્પણ તથા બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે નવા કોપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ સાથે, મેટ્રો, આંગણવાડી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરોડોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વાછરડાંને દૂધ પીવડાવી પશુપાલન સાથે જોડાયેલા આ કેન્દ્રની કામગીરીમાં રસ દાખવ્યો હતો. પીએમએ ખેડૂતો અને અન્નદાતાઓને વિકસિત ભારતના સૌથી મજબૂત આધારસ્તંભ ગણાવતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે હંમેશાં ખેડૂતોનાં કલ્યાણ અને સશક્તીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વર્ષ 2013-14ની સરખામણીએ દેશનું કૃષિ બજેટ પાંચગણાથી વધુ વધારવામાં આવ્યું છે. પશુપાલનને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ગ્રામ્ય મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને રાષ્ટ્રીય ગોકુલ મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશી પશુધનની જાળવણી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓલાદ સુધારણા માટે આ મિશન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદના અડાલજથી મહેસાણાના રોડના અપગ્રેડેશનનો શિલાન્યાસ પણ વડાપ્રધાનના હસ્તે કરાયો હતો. મોદીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમની જાહેરજીવનમાં સરકારના વડા તરીકે 25 વર્ષની સેવાયાત્ર પૂરી થયાનો તેમણે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, દેશની સેવા અને ગુજરાતના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસના બે જ સંકલ્પ સાથે મેં જાહેરજીવનની શરૂઆત કરી હતી. આજે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું શ્રેય દેશની જનતાને જાય છે. હું જીવનભર આપ સૌનો ઋણી રહીશ અને જીવનની અંતિમ ક્ષણ સુધી આપ સૌની સેવામાં સમર્પિત રહીશ. પીએમ મોદીએ ભીલડીમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, દેશનો દરેક ખેડૂત, યુવા, બહેન અને દીકરી વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધે તે માટે સરકાર સતત વિકાસનાં કાર્યો કરી રહી છે. જો કે, દેશની પ્રગતિ અને વિકાસથી કેટલાક તત્ત્વોને મુશ્કેલી થાય છે. દેશ પર સંકટ આવે ત્યારે મને બદનામ કરવા માટે તેઓ દેશમાં અરાજકતા હોવાનો આક્ષેપ કરે છે. – દુનિયામાં આવડી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઇ હોય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો. હું હમણા ક્રીન પર જોઇ રહ્યો હતો. દુનિયામાં આવડી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઇ હોય. દેશના લોકો માટે પણ આશ્ચર્ય હશે કે સભામાં બધા લોકો ખાટલા પર બેઠા છે. આપણા ગામડાંની મહાન પરંપરાને બનાસકાંઠાએ જીવિત કરી દીધી છે. કદાચ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાને અહીં બોલાવ્યા હોત તો આ ખાટલા સભાનો એક અનોખો વિક્રમ રચાયો હોત તેમ રમૂજ કરતાં પીએમે બનાસકાંઠાના નાગરિકોને આ વિકાસયાત્રામાં સહભાગી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. – બનાસકાંઠાના લોકો આલુમાંથી સોનું બનાવે છે : મોદીનો રાહુલ પર કટાક્ષ : વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, નર્મદાનાં નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓએ બનાસકાંઠાની કાયાપલટ કરી નાખી છે. મોદીએ રાહુલ ગાંધીએ આલુમાંથી સોનું નીકળશે એવું નિવેદન કર્યાનો દાવો કરતી વાયરલ ક્લિપને લઈને કટાક્ષ કરતાં કહ્યું હતું કે, દેશના અન્ય વિસ્તારો સુધી વિસ્તારીને સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા બટાટા પ્રોસાસિંગ પ્લાન્ટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો પાસેથી વધુ બટાટાની ખરીદી થઈ શકે. આ બટાટા ઉત્પાદક ખેડૂતો બટાટામાંથી સોનું બનાવે છે. – પીએમ દ્વારા ઉદ્ઘાટન, શિલાન્યાસ કરાયેલા વિકાસકામો – ભીલડીથી પીએમ કિસાનનો 24મો હપ્તો ખેડૂતોને અર્પણ, દેશના 9.34 કરોડ ખેડૂતોને રૂા. 18,680 કરોડ, ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂા. 1,051 કરોડથી વધુની સહાય. – બનાસ ડેરીના રૂા. 407.56 કરોડના ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. – રૂા. 324 કરોડના ખર્ચે તૈયાર ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું લોકાર્પણ. – એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી. – બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRSનું લોકાર્પણ. -થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે નવા કોપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન. – અમદાવાદ મેટ્રો ફેઝ-2એ અને 2-બીનો શિલાન્યાસ.- બનાસકાંઠાથી રાજ્યભરના 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. – સાબરમતી-વારાણસી અને મહેસાણા-બહુચરાજી મેમુ ટ્રેનને ફ્લેગઓફ. – અડાલજ-મહેસાણા ચારલેન હાઈ-વેનું રૂા. 2600 કરોડના ખર્ચે આઠલેન સાથે અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત.