પડાણા પાસે ડમ્પરના ચોરખાનામાંથી 10.92 લાખનો શરાબ જપ્ત

image

અહીંના પડાણા નજીક ગાંધીધામથી ભચાઉ બાજુ જતા ધોરીમાર્ગ મિની પંજાબ હોટલ પાસે એક ડમ્પરના ચોરખાનામાંથી રાજ્યની એસ.એમ.સી.ની ટુકડીએ  રૂા. 10,92,696ના શરાબ સાથે ચાલકને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી માલ મોકલનારા બે શખ્સના નામ બહાર આવ્યા હતા. આ ટુકડીની સફળ કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. એસ.એમ.સી.ની એક ટીમ વહેલી પરોઢે ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન, ટાટા કંપનીના ડમ્પર માં ચોરખાનામાં દારૂ છે અને તે ધોરીમાર્ગની બાજુમાં ગમે તે બાજુ ઊભું છે. આ પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ પર પડાણા મિની પંજાબ હોટેલ નજીક ઊભેલાં આ ડમ્પરને શોધી કાઢયું હતું, જેમાં સવાર ચાલક રાજસ્થાનના પોલીસે પૂછપરછ કરી હતી. બાદમાં કેબિન અને ઠાંઠા વચ્ચે તપાસ કરાતાં ચોરખાનું નજરે પડયું હતું. પતરું હટાવીને જોતાં અંદર દારૂની બોટલો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે તેને લઈ જવાયો હતો. આ પકડાયેલા શખ્સે બાડમેરના મારૂડી  ગામ નજીક અવાવરુ જગ્યાએ ગયો હતો, જ્યાં રતનસિંહ સોઢા તથા પીકઅપ ડાલાનો ડ્રાઈવર ત્યાં દારૂ લઈને આવ્યા હતા અને પકડાયેલા શખ્સના ડમ્પરમાં આવેલા ચોરખાનામાં દારૂ સંતાડી દીધો હતો. બાદમાં આ દારૂ ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું કહ્યું હતું. દરમ્યાન ડમ્પરચાલક વાહન લઈ આવી પડાણા રામાપીર મંદિરે પહોંચ્યો હતો, જ્યારે રતનસિંહે આગળ જઈ બ્રિજ નીચે થઈ યુ-ટર્ન લેવા કહ્યું હતું અને પરત રામાપીર મંદિર પાસે પહોંચ્યા બાદ દારૂ લેવા સ્થાનિક શખ્સ આવશે તેમ કહ્યું હતું. આ શખ્સ ત્યાં પહોંચે તે પહેલાં તેને એસ.એમ.સી.એ ઝડપી લીધો હતો. આ ડમ્પરના ચોરખાનામાંથી 8 પીએમ સ્પેશિયલ વ્હીસ્કીની બોટલ નંગ 4139 કિંમત રૂા. 10,92,696નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસો આવી પહોંચ્યા છે, ત્યારે દારૂ પ્યાસીઓની માંગને પહોંચી વળવા બુટલેગરોએ કમર કસી છે, તેવામાં એસ.એમ.સી.ની સફળ કાર્યવાહીથી બુટલેગરો તથા સ્થાનિક પોલીસમાં સોપો પડી ગયો હતો.