નાના કપાયાનો પરિવાર સસરાની બારસમાં ગયો ને પાછળથી તફડંચી

મુંદરાના નાના કપાયામાં રૂા. 1,75,667ના સોના-ચાંદીના દાગિનાની ઘરફોડી થયાની ફરિયાદ નોંધાવાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે મુંદરા પોલીસ મથકે, નાના કપાયામાં જીંદાલ ગેટ નં. 3ની સામે કાંકરિયા વાડીમાં રહેતા શ્રમજીવી એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 29-10થી 30-10 દરમ્યાન તેમના બંધ મકાનના તાળા તોડી કબાટમાંથી રૂા. 1,75,667ના સોના-ચાંદીના દાગિનાની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. ફરિયાદ મુજબ પરિવાર તા. 29-10ના સસરાની બારસમાં ગયો હતો અને બીજા દિવસે પડોશમાંથી ફોન આવ્યો કે તમારે ઘરે ચોરી થઇ છે. આથી ઘરે આવી જોતા ઘરના તાળા તૂટેલા હતા અને કબાટ ખોલી જોતા તેમાંથી સોનાની કાનસર, ફેન્સીચુડી, ડીસ્કા જોડ નંગ-2, વીંટી, એરિંગ, એરીંગ કાનસર, મંગળસૂત્ર તથા ચાંદીના હડિયા, પટા, બંગડી એમ કુલ્લે રૂા. 1,75,667ના મુદ્માલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.