અંજારમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે અંજારમાં ‘એકતા રેલી’નું પ્રસ્થાન કરાવતા મહાનુભાવો

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ આદરણીય સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે અંજાર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે અંજાર શહેરમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંદીપભાઈ ચાવડા, ગાંધીધામના મામલતદાર અને નોડલ ઓફિસર શ્રી જાવેદભાઈ સિંધી તથા અંજાર તાલુકા મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં ગંગા નાકા પાસેથી એકતા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંગઠનના મહામંત્રી શ્રી ક્રિપાલસિંહ રાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારત માતાની પ્રતિકૃતિ પર પુષ્પવર્ષા કરી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ એકતા રેલી ગંગા નાકાથી ૧૨ મીટર રોડ થઈને ટાઉનહોલ ખાતે પહોંચી હતી, જ્યાં એકતા પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અંજારના વિશિષ્ટ મહાનુભાવો અને સેવાભાવી સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ બેન્ક માટે રૂ. ૨૫ લાખનું માતબર અનુદાન આપનાર દાતા શ્રી મેહુલભાઈ મધુકાન્તભાઈ વ્યાસ, છેલ્લાં અનેક વર્ષોથી મફત ટિફિન સુવિધા, નબળા પરિવારોને રાશન કીટ, વૃક્ષારોપણ, મેડિકલ સહાય કેમ્પ અને મોક્ષરથ જેવી સેવાઓ આપતી સંસ્થા ‘ભારત વિકાસ પરિષદ’ વતી તેમના પ્રમુખ શ્રી પરેશભાઈ સોનીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ગોવા ગવર્નરશ્રીના હસ્તે ‘એક્સલન્સ સાયન્સ ટીચર’ તરીકે, રાષ્ટ્રપતિ શ્રી એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે તથા નીતિ આયોગ દ્વારા સન્માનિત શ્રી વિનોદકુમાર કેશવજીભાઈ પઢીયાર, વૃદ્ધાશ્રમનું સંચાલન, હોસ્પિટલમાં રાહત દરે તબીબી સેવા અને નિરાધાર દીકરીઓને દત્તક લેનાર સેવાભાવી તબીબ ડો. હિતેશભાઈ ઠક્કર, પ્રાકૃતિક ખેતી અને ગૌવંશ જાગૃતિ અભિયાન ચલાવનાર, પંચગવ્ય અને ગોબરમાંથી ૧૫૦ થી ૨૦૦ પ્રોડક્ટ્સ બનાવી ગાય બચાવવાનું ભગીરથ કાર્ય કરનાર નિષ્ણાંત શ્રી મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી તથા માતૃ પ્રેરણા બિલ્ડીંગ બનાવી તેમાં શ્રી મહાવીર ભોજનાલય દ્વારા માત્ર રૂ. ૧૦માં રોજના ૪૦૦ થી ૪૫૦ લોકોને ભોજન તથા રાહત દરે મેડિકલ સારવાર પૂરી પાડનાર શ્રી રમણીક રાજા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જીગ્નેશભાઈ રમણીકલાલ દોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકાએ સરદાર પટેલના જીવન પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે સંગઠનના અગ્રણી શ્રી ડેનીભાઈ આર. શાહે સરદાર સાહેબના સાહસિક અને નીડર વ્યક્તિત્વના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
આ તકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ ઉદ્બોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. એ. જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજુભાઈ અંજારિયા, શહેર સંગઠનના પ્રમુખ શ્રી હિતેનભાઇ વ્યાસ, જિલ્લા સંગઠન કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ ટાંક, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરીયા, દંડક શ્રી ગિરીશભાઈ પરમાર સહિત કુંદનબેન જેઠવા, ધનુબેન ગઢવી, સંદીપાબેન સાકરિયા, અલ્પેશભાઈ દરજી, તારાબેન રોંશિયા, પ્રીતિબેન માણેક, અમિતભાઈ વ્યાસ, કુંદનબા જાડેજા, અજયસિંહ ઝાલા, કલ્પનાબેન ગોર, મામદ હુશેન શેખ, પાર્થભાઈ સોરઠીયા, સોનલબેન મહેતા, ડેનીભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, બલરામભાઈ જેઠવા, તેજસભાઇ મહેતા, અકીબભાઈ બાયડ, આકાશભાઈ કોડરાણી, દિગંતભાઈ ધોળકિયા, જીગરભાઈ ગઢવી, હિતેનભાઈ હડિયા, મિલનભાઈ લોઢા, મયુરભાઈ સિંધવ, કાસમભાઈ કુંભાર, શામજીભાઈ ખાંડેકા, મેલાભાઈ દેસાઈ, ખીમજીભાઈ સિંધવ, પ્રકાશભાઈ કોડરાણી, હાર્દિક પ્રજાપતિ, ચિરાગભાઈ સિંધવ, મિતેશભાઈ રાઠોડ અને લીલાવંતિબેન પ્રજાપતિ વગેરે આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ ઉદવાણી, શહેર સંગઠનના મહામંત્રી શ્રી ક્રિપાલસિંહ રાણા અને શાસનાધિકારી શ્રી મૂળજીભાઈ મીંઢાણીએ કર્યું હતું, તથા આભારવિધિ શહેર સંગઠનના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયાએ કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રશ્મિભાઈ ભીડે, નરશીભાઈ દાવા, જીતુભાઈ જોષી, પ્રકાશભાઈ રોંશિયા, ગુંજનભાઈ પંડ્યા, ધવલભાઈ થરાદરા, ખેરાજભાઈ બુચિયા, વિનોદભાઈ શામળિયા, જય ખોડીયાર અને હરદેવ જાગરિયા વગેરે એ જહેમત ઉઠાવી હતી.