લોકોના વિરોધને પગલે સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના કઠોર નિયમોનો અમલ હાલ પુરતો મોકૂફ

૧૫ દિવસ સુધી આકરાં દંડની વસૂલાત નહીં થાય : રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ, આરટીઓ સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ લોકહિતમાં નિર્ણય કરશેમોટર વ્હીકલ એક્ટ(એમેન્ડમેન્ટ)-૨૦૧૯ના નવા નિયમો અને જોગવાઇઓનો સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં એકસાથે અમલ થઇ ગયો છે. જો કે, મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટમાં નવા નિયમો અને જોગવાઇઓ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને દંડનીય જોગવાઇ વધુ પડતી અને એકદમ આકરી હોઇ વાહનચાલકોમાં પહેલા જ દિવસથી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પરંતુ લોકોમાં ડરની લાગણી અને વ્યવહારૃ અભિગમને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા હાલ પૂરતી રાજયમાં મોટર વ્હીકલ એકટના નવા નિયમો અને જોગવાઇઓની અમલવારી કરવાનું મોકૂફ રાખ્યું છે. રાજય સરકાર આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર સહિતના સત્તાધીશો સાથે ટૂંક સમયમાં જ મહત્વની બેઠક યોજી તેમની સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે. સરકારના આ નિર્ણયને પગલે હાલ પંદર દિવસ પૂરતી ગુજરાત રાજયના નાગરિકોને વધુ પડતા આકરા દંડ અને જોગવાઇઓમાંથી રાહત મળી છે. એટલું જ નહી, કેન્દ્ર સરકારે ઘડેલા મોટર વ્હીકલ એક્ટના અમેન્ડમેન્ટનો અમલ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડ્યા બાદ કરવામાં આવશે. નવા એક્ટની નકલ મેળવી તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યા પછી જાહેરનામું બહાર પાડવામા આવશે. જેને પગલે ગુજરાતીઓને પંદર દિવસ સુધી નવા દંડ વધારાની રકમ ચૂકવવી પડશે નહીં. મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવા રાજ્યના ટ્રાફિક કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. તે મુજબ ટ્રાફિક નિયમભંગ બદલ દંડની રકમ વસુલવામાં આવશે. નવા જાહેરનામાની નકલ દિલ્હીથી મેળવવામાં આવશે. જેનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ, નાણાં વિભાગ અને ગુજરાત ટ્રાફિક પોલીસ તરફથી ચર્ચા વિચારણા કર્યા બાદ સરકાર તરફથી યોગ્ય નિર્ણય કરાશે. જેથી હાલ જુના નિયમો મુજબ જ દંડ વસુલવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *