આદિપુર પોલીસની અનોખી દિવાળી, બાળકોના ચહેરા પર છવાયું સ્મિત

image

ખાખીની ફરજ સાથે માનવતાની મીઠી લાગણી… આદિપુર પોલીસ સ્ટેશનમાં બાળકોએ પોલીસ પરિવાર સાથે ઉજવી દિવાળી

પીઆઈ એસ.એન. કરંગીયા તેમજ મહિલા પોલીસ કર્મચારીઓએ કરુણા વિહારની બાળાઓ અને આર્ય સમાજના બાળકોને કંકુ તિલક કરી મીઠાઈ, ભેટસોગાદ અને ફટાકડાનું વિતરણ કર્યું; બાળકો સાથે ફટાકડા ફોડી ખુશીઓ વહેંચી

દિવાળીના પર્વે માત્ર દીવડાઓ જ નહીં, પરંતુ બાળકોના ચહેરા પર ખુશીઓનો પ્રકાશ પથરાય તેવા ઉમદા હેતુ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. કરંગીયા દ્વારા માનવતાભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કરુણા વિહારની બાળાઓ તેમજ આર્ય સમાજના બાળકોને આદિપુર પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જ્યાં પીઆઈ એસ.એન. કરંગીયાએ બાળકોને કંકુ તિલક કરી મીઠાઈ, ભેટસોગાદો અને ફટાકડાનું વિતરણ કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ અધિકારીઓ અને બાળકો સાથે મળીને ફટાકડા ફોડી દિવાળીના પર્વની ખુશીઓ વહેંચી હતી.

પીઆઈ એસ.એન. કરંગીયા સાથે પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફગણ પણ આ આયોજનમાં ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ખુશીઓ વહેંચી હતી.

ખાખીની વર્દી પાછળ છુપાયેલી સંવેદનશીલતા અને માનવતાનું આ સુંદર ઉદાહરણ બન્યું હતું. બાળકોના ચહેરા પર છવાયેલું સ્મિત અને તેમની સાથે વિતાવેલી ખુશીની પળોએ દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો.

કારણ કે સાચી દિવાળી ત્યારે જ ઉજવાય છે, જ્યારે કોઈના જીવનમાં ખુશીનો એક દીપ પ્રગટાવી શકાય…