પેઢી દર પેઢી વણાટકળાનો વારસો જાળવતું ભુજોડી, રાષ્ટ્રપતિ સન્માનથી કચ્છનું વધાર્યું ગૌરવ

સ્થાનિક કારીગરો અને પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક જિલ્લાની વિશિષ્ટ પરંપરાગત હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો અને કૃષિ પેદાશોને આગવી ઓળખ અપાવીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાનો છે. ત્યારે કચ્છની પરંપરાગત વણાટકળાને પણ આવી પહેલો દ્વારા નવી તકો મળી રહી છે.
કચ્છની ધરતી તેની આગવી સંસ્કૃતિ, પરંપરા, કળા અને હસ્તકલાના વારસા માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વારસાને જીવંત રાખવામાં કચ્છના વણકર સમાજનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભુજોડી ગામના વણકરોએ પેઢી દર પેઢી હાથવણાટની પરંપરાને જાળવી રાખી છે અને પોતાની આગવી કારીગરીના બળે કચ્છની વણાટકળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે. આ જ પરંપરાને આગળ ધપાવતા અરજણભાઈ વિશ્રામભાઈ વણકર આજે હાથવણાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે.
અરજણભાઈ જણાવે છે કે, આશરે પાંચ દાયકા પહેલાં તેમના પરિવારના વડીલો કચ્છમાં ધાબળા અને શાલ બનાવવાનું પરંપરાગત કામ કરતા હતા. ખાસ કરીને રબારી, આહીર, ભરવાડ અને ક્ષત્રિય સમાજના લોકો માટે તેમની જરૂરિયાત અને પરંપરા અનુસાર વિવિધ વસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા. આ પરંપરાગત કળાને નવી ઓળખ અપાવવામાં તેમના પિતા વણકર વિશ્રામભાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. વર્ષ ૧૯૭૪માં વણાટકામ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માનથી ભુજોડીની વણાટકળાને દેશભરમાં નવી ઓળખ મળી હતી. કચ્છની પરંપરાગત શાલ અને હાથવણાટની વસ્તુઓ પ્રત્યે પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું હતું. પરિણામે ભુજોડી સહિત કચ્છના વણકરોની કારીગરીને નવી બજારવ્યવસ્થા અને વેચાણની તકો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ પણ કચ્છના અનેક વણકર કારીગરોએ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી આ પરંપરાગત કળાનું ગૌરવ વધાર્યું છે.
પિતાએ ચીંધેલા માર્ગે આગળ વધીને અરજણભાઈએ પણ હાથવણાટ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ ૨૦૦૯માં તેમને વણાટકામ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ શાલમાં કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શાલની બનાવટમાં પરંપરાગત કારીગરી, કલાત્મક ડિઝાઇન અને ઝીણવટભર્યું વણાટ જોવા મળે છે. આ એક શાલ તૈયાર કરવામાં આશરે ચાર મહિનાનો સમય લાગ્યો હતો. આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભુજડીની પેઢી દર પેઢી ચાલી આવતી વણાટકળાનું રાષ્ટ્રીય સ્તરે થયેલું ગૌરવ છે.
કચ્છની પરંપરાગત શાલને જી.આઈ. (Geographical Indication) ટેગ મળવાથી તેની આગવી ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. આ ટેગ કચ્છની શાલના પરંપરાગત ઉત્પાદન, અનોખી કારીગરી અને ભૌગોલિક વિશેષતાને પ્રમાણિત કરે છે. જી.આઈ. ટેગ એ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલી વસ્તુની વિશિષ્ટ ઓળખ, ગુણવત્તા અને પ્રામાણિકતા દર્શાવતું પ્રમાણપત્ર છે.
જી.આઈ. ટેગના કારણે કચ્છના વણકરો દેશના વિવિધ શહેરોમાં યોજાતા પ્રદર્શનો અને મેળાઓમાં પોતાની બનાવટને પ્રમાણિક કચ્છી ઉત્પાદન તરીકે રજૂ કરી શકે છે. આ ઓળખથી ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે અને કારીગરોને તેમના પરંપરાગત ઉત્પાદનોના વેચાણમાં પણ પ્રોત્સાહન મળ્યું છે.
હાલમાં કચ્છમાં મોટી સંખ્યામાં વણકર ભાઈઓ હાથશાળના વ્યવસાય સાથે જોડાઈને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ પરંપરાગત વ્યવસાયને ટકાવી રાખવા અને કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ યોજનાઓ અંતર્ગત વણકરોને લોન સહાય, વર્કશેડની સુવિધા, આધુનિક ડિઝાઇનિંગ, માર્કેટિંગ, પ્રદર્શન-મેળામાં ભાગ લેવા માટે સહાય તેમજ દેશ-વિદેશમાં પોતાની કળાનું પ્રદર્શન કરવાની તકો મળી રહી છે. જી.આઈ. સંબંધિત મેળાઓ અને વિવિધ હસ્તકલા પ્રદર્શનો દ્વારા કારીગરોને સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે છે.
સરકારની આવી પ્રોત્સાહક યોજનાઓના પરિણામે ભુજોડીના વણકરોને માત્ર સ્થાનિક બજાર પૂરતા મર્યાદિત રહેવાને બદલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાની કળા રજૂ કરવાની તક મળી છે. અરજણભાઈ સહિત અનેક કારીગરોએ સરકારી સહયોગથી વિવિધ દેશોમાં જઈને હાથવણાટની જીવંત નિદર્શન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. દેશનાં મોટાં શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં પણ કચ્છના વણકરો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
સમયની સાથે કચ્છની હાથવણાટકળામાં પણ નવીનતા આવી રહી છે. વર્ષોથી ધાબળા અને શાલ બનાવવાની પરંપરા ધરાવતા કચ્છના વણકરોએ હવે સાડી, દુપટ્ટા અને સ્ટોલ જેવા આધુનિક વસ્ત્રો બનાવવાની દિશામાં પણ સફળતાપૂર્વક આગળ વધ્યા છે.
ભુજોડીની સાડી તેની આગવી ડિઝાઇન, કલાત્મક પાલવ અને ઝીણવટભર્યા વણાટ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે. એક સાડી તૈયાર કરવામાં અંદાજે ૨૦થી ૨૫ દિવસનો સમય લાગે છે. સાડીના પાલવમાં કરવામાં આવતું સુંદર અને બારીક વણાટ કારીગરોની કળા, ધીરજ અને કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અરજણભાઈ સરકારશ્રીના સહયોગ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કારીગરો માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓના કારણે વણકરોને રોજગારી, બજાર અને પોતાની કળા પ્રદર્શિત કરવાની ઉત્તમ તકો મળી રહી છે. સરકારના આ સહયોગથી કારીગરો આત્મનિર્ભર બનીને પોતાની પરંપરાગત કળા સાથે સારું જીવનનિર્વાહ કરી રહ્યા છે.
“વણાટકળામાં પરંપરા સાથે નવીનતાનો સમન્વય”
કચ્છના વણકરો હવે ‘કાલા કોટન’ તરીકે ઓળખા