પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએકપાસ વિશે

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કપાસના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું.

કપાસ –

વાવેતર સમય, અંતર અને જાતોની પસંદગી

કપાસના પાકની દેશી, સુધારેલી, સંકર તેમજ બીટી જાતોનું વાવેતર જૂન મહિનામાં ૯૦ થી ૧૨૦ X ૩૦ થી ૪૫ સેન્ટિમીટરના અંતરે અને દેશી જાતો માટે ૮ થી ૧૦ કિલો તથા સંકર અને બીટી જાતો માટે બે થી અઢી કિલો પ્રતિ હેક્ટરનો દર રાખી વાવેતર કરવું.

બીજ સંસ્કાર અને ઘન જીવામૃત :-

      સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા કપાસના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે, ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦0 કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો.રાસાયણિક ખેતીમાથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.

જીવામૃતનો જમીનમાં ઉપયોગ –

વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યાર બાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.

જીવામૃતનો પાક ઉપર છંટકાવ –

પ્રથમ છંટકાવ:- વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.

બીજો છંટકાવ:-  પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. ત્રીજો છંટકાવ:-  બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. ચોથો છંટકાવ:- ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. પાંચમો છંટકાવ:- ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. છઠ્ઠો છંટકાવ :- પાંચમા છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.

આંતર પાક –

      પિંજર પાક તરીકે દિવેલા, મકાઈ અને ગલગોટા લેવા. વિસ્તાર પ્રમાણે કપાસની બે હાર વચ્ચે તલ, મગ, મઠ, સોયાબીન કે ઉભડી મગફળી આંતરપાક તરીકે લેવા.

રોગ–જીવાત –

(ક) ચૂસીયા પ્રકારની જીવાત: ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો. (ગ) કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો. (ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે: ૩ લીટર અગ્નિઅસ્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ચ) ફૂગના રોગ: ફૂગ અને વાયરસ ધ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.

આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.