સબસિડીમાં કટકી બંધ કરો! 80 માંથી 20 રૂપિયા જ હાથમાં આવે છે – માલધારીઓની કલેક્ટરને હાંકલ

દુષ્કાળમાં મૂંગા પશુઓને બચાવવા સરકારે જાહેર કરેલી સબસિડી માલધારી સુધી પૂરેપૂરી પહોંચતી નથી, એવો ગંભીર આક્ષેપ સાથે માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

આવેદનમાં કહેવાયું છે કે, સરકારે પશુદીઠ 80 રૂપિયા સબસિડી જાહેર કરી છે, જે માલધારી માટે આશીર્વાદ સમાન છે. પણ ભૂતકાળનો અનુભવ કડવો છે. વચ્ચેના માર્ગમાં જ આ રકમ ઘસાઈ જાય છે અને છેવટે માલધારીના હાથમાં માત્ર 20-25 રૂપિયા જેટલી જ રકમ રહે છે, એવી ફરિયાદો અગાઉ પણ ઉઠી ચૂકી છે.

માલધારીઓનું કહેવું છે કે, ઢોરવાડા ચલાવવા માટે સંસ્થાઓને મંજૂરી અપાય છે, ત્યારે અમુક સંસ્થાઓ પાસે પોતાની મૂડી હોતી નથી. ઉછીના પૈસા લાવીને મંજૂરી મેળવી લેવાય છે, પણ પછી ઘાસચારો પૂરો પાડી શકાતો નથી. અમુક જગ્યાએ પોતાના હપ્તા માટે કપાત થાય છે, તો અમુક જગ્યાએ બિલ પાસ કરાવવા માટે મિલીભગત થતી હોવાની પણ ફરિયાદ છે.

વધુમાં, અમુક ઢોરવાડામાં પશુઓની સંખ્યા બમણી-ત્રણ ગણી બતાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડાતું હોવાની અને ઉનાળા નજીકના છેલ્લા હપ્તાની આખી સબસિડી જ ગાયબ થઈ જતી હોવાની ફરિયાદો પણ આવેદનમાં રજૂ કરાઈ છે.

આ બધી ગેરરીતિ બંધ થાય અને દરેક માલધારી પોતે જ દુષ્કાળનો સામનો કરવા સક્ષમ બને, તે માટે 3 સ્પષ્ટ માંગણીઓ કરાઈ છે:

  1. સબસિડી સીધી ખાતામાં આપો: સંસ્થા મારફતે નહીં, સબસિડીની રકમ સીધી માલધારીના બેંક ખાતામાં જમા કરો.
  2. ઘાસચારો મંડળી મારફતે આપો: માલધારીને વ્યાજબી ભાવે ઘાસ મળે તે માટે દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરો.
  3. ખાણ-દાણના ભાવ પર અંકુશ લાવો: ખોળ અને ભૂસાના વેપારીઓ મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે પશુઓના ખાણ-દાણની કિંમતો પર નિયંત્રણ રાખો.