દયાપરમાં મીઠાઈના વેપારીનાં ખાતાંમાંથી જાણ બહાર રૂા. 1.33 લાખ સેરવાયા
જાણ બહાર ઓટીપી વિના જ નાણાં ઊપડી જવાના કિસ્સા વધી રહ્યા છે. તે વચ્ચે લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં મીઠાઈના વેપારી સાથે પણ આ રીતે રૂા. 1,33,059ની ઓનલાઈન ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર દયાપરમાં શ્રીનાથજી સ્વીટ્સની દુકાન ધરાવતા મીઠાઈના વેપારી 60 વર્ષીય આધેડે દયાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 12/11ના તેમને તેમના ખાતાંમાંથી નાણાં ઊપડયાના મેસેજ આવતાં બેન્કનો સંપર્ક કરતાં બેન્કવાળાઓએ કહ્યું કે, તમારાં ખાતાંમાંથી ક્રેડિટકાર્ડ દ્વારા રૂપિયા ઊપડી ગયા છે. આથી બેન્ક ખાતાંનું સ્ટેટમેન્ટ કઢાવતાં ગત તા. 12/11ના જુદી-જુદી યુપીઆઈ મારફત ચાર ટ્રાન્જેકશનથી તેમની જાણ બહાર કોઈપણ જાતના ઓટીપી વિના કુલ્લે રૂા. 1,33,059 ઊપડી ગયા હતા. આમ આ ચાર યુપીઆઈ આઈ.ડી. ધરાવતા ચાર અજાણ્યા ઈસમે ફરિયાદીની જાણ બહાર નાણાં ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી-આઈ.ટી. એક્ટ તળે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.