દહેજ માટે ઘરની પુત્રવધૂને મેણા ટોણા મારી, માનસિક સાથે શારીરિક અત્યાચાર ગુજારનાર સાસરિયાઓને ભુજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી ઘરેલુ હિંસાના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ફરિયાદી મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલાં ભુજના નાસીર સુલેમાન સમા સાથે થયા હતા. પણ, લગ્નના ૪ મહિના પછી તરત જ ફરિયાદી મહિલાએ પોતાના ઉપર અત્યાચાર થઈ રહ્યો હોવાનું અને દહેજ પેટે ૫૦ હજાર રૂપિયા લાવવાનું દબાણ કરાતું હોવાની ફરિયાદ કરી હતી. ભુજ બી ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદી મહિલાએ પોતાના પતિ નાસીર અને સાસુ કુલસુમબેન દ્વારા ગડદાપાટુ નો માર માર્યો હોવાની અને માસી સાસુ હનીફાબેન અબ્દુલસત્તાર સમા દ્વારા લોખંડના સળિયાથી ફટકારવાની ફરિયાદ કરી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ. દવેએ ત્રણેય સાસરિયા વાળાને દોષી માનીને એક એક વર્ષની જેલની સજા અને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ ડી.એમ. પરમારે દલીલો કરી હતી.