ધોળાવીરા અને ધોરડો ટેન્ટ સિટી ખાતે જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ

RANN UTSAV KAMGIRI HEALTH DEPARTMENT KUTCH BHUJ P01

કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે અને મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય, તે હેતુથી જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ દ્વારા ધોળાવીરા અને ધોરડો ખાતે આવેલી ટેન્ટ સિટી અને રિસોર્ટની મુલાકાત લઈ વિશેષ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કચ્છ જિલ્લો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાથી ધોળાવીરા અને ધોરડો જેવા મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળોએ આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. ખાસ કરીને આ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે આ કામગીરી કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ

કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ધોરડો અને ધોળાવીરાના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવાં સ્થળો, પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓ, પાણીના સંગ્રહના સ્થળો તેમજ આસપાસના પરિસરની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે સંભવિત ઉત્પત્તિસ્થાનોનો નાશ કરવાની એન્ટી-લાર્વા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરી અસરકારક પગલાં લેવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડી શકાય અને પ્રવાસીઓને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાણીના સંગ્રહના સ્થળો તથા ટાંકીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી પ્રમાણમાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી હતી. પીવાના પાણીના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થામાં સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે પણ ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ટેન્ટ સિટીના અને રિસોર્ટના સંચાલકો અને સંબંધિત કર્મચારીઓને આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ અને યોગ્ય ક્લોરિનેશન, પાણી ભરાઈ રહેવાની સમસ્યા દૂર કરવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા, પરિસરની નિયમિત સફાઈ રાખવા તેમજ મચ્છરોના ઉત્પત્તિસ્થાનો ઊભાં ન થાય તેની સતત તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ટેન્ટ સિટીમાં રોકાણ કરતા પ્રવાસીઓ અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓના આરોગ્યની સુરક્ષા માટે સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છ વાતાવરણ અને મચ્છર-નિયંત્રણની વ્યવસ્થા જાળવવી જરૂરી છે. આ કામગીરી દ્વારા સંભવિત રોગચાળાને શરૂઆતના તબક્કે જ અટકાવવા અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

કચ્છ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા  જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને જાહેર જનતાની અવરજવરવાળા વિસ્તારોમાં આરોગ્યલક્ષી તકેદારી, સ્વચ્છતા અને રોગચાળા-નિયંત્રણની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નાગરિકો, પ્રવાસીઓ અને સંબંધિત સંસ્થાઓના સહયોગથી સ્વસ્થ અને સુરક્ષિત પ્રવાસન વાતાવરણ જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે તેમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.‌

૦૦૦૦