જન્મ-મરણના દાખલાની તાલુકા કક્ષાએ જ મળશે ડિજિટલ મંજૂરી

કચ્છના ગ્રામ્ય વિસ્તારના લોકોને જન્મ અને મરણના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા ડિજિટલ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો. હવે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ને બદલે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને OTPના માધ્યમથી મંજૂરી આપવાની સત્તા સોંપાઈ.કેન્દ્ર સરકારની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના સોફ્ટવેરમાં સુધારા સાથે નવી વ્યવસ્થા અમલી બનાવાઈ.45,674 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કચ્છ જિલ્લામાં લખપત, અબડાસા, રાપર અને ભચાઉ જેવા અંતરિયાળ તાલુકાના અરજદારોને દાખલાની મંજૂરી માટે અગાઉ લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી.નવી વ્યવસ્થા હેઠળ વર્ષ 2026માં નોંધાયેલી જન્મ-મરણની નવી અરજીઓના પ્રમાણપત્રની મંજૂરી તાલુકા કક્ષાએ જ ડિજિટલ માધ્યમથી મેળવી શકાશે.સંબંધિત તાલુકા વિકાસ અધિકારીના મોબાઈલ પર આવતા OTPના આધારે પ્રમાણપત્ર જનરેટ થશે.જિલ્લા પંચાયત કક્ષાએ હવે માત્ર નગરપાલિકાઓ સંબંધિત અરજીઓની મંજૂરીની પ્રક્રિયા રહેશે.અગાઉનાં વર્ષોના જૂના દાખલાની નકલ મેળવવા માટે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી QR કોડવાળું અધિકૃત સર્ટિફિકેટ મળશે