શિક્ષકના ઘર પર કબજો કરનાર તત્વોપાસેથી મકાનનો કબજો અપાવ્યો કિડાણામાં શિક્ષકે મકાન વેંચાતું લીધા બાદ મકાનનો કબજો અપાતો ન હોવાથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો ગાંધીધામના કિડાણા ગામમાં ઘર લીધા બાદ તેમાં અન્ય શખ્સો ઘુસા જતાં આ પોતાના મકાનનો કબજો મેળવવા અનેક પ્રયાસો બાદ થાકી ગયેલા શિક્ષક પરીવારે કાયદાના રખેવાળોનો સંપર્ક સાધતા ફરિયાદના ટુંક સમયમાં તે ઘરનો કબ્જો મૂળ માલીકને અપાવતાં પોલીસ મથકે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ફરિયાદી શિક્ષક મીતેશભાઈ પુરોહીતે આ અંગે જણાવ્યુ હતુ કે કિડાણામાં તેમણે મકાન લીધુ હતુ. જેનું તમામ ચુકવણુ થયા બાદ પણ તેનો કબ્જો ન આપી ગલ્લાતલા કરાતા હતા. અંતે કંટાળીને જ્યારે તપાસ કરીને તો તેમા અન્ય કોઇ રહેતા હોવાનું ખુલ્યુ હતુ. પુછતા તેમણે આ ઘર એમનુંજ હોવાનું કહ્યુ હતુ અને તેને સમર્થન આપતા કોઇ દસ્તાવેજો પણ દેખાડ્યા નહતા. હતપ્રત થયેલા શિક્ષક અને તેમની માતાએ આ અંગે પ્રયાસો કર્યા બાદ પણ કબ્જો ન મળતા આખરે ગાંધીધામ બી ડિવીઝન પોલીસમાં આ અંગે ગુહાર લગાવી હતી. જેમા પીઆઈ જે.પી. જાડેજા અને તેમની ટીમએ મકાનનો કબ્જો શીઘ્રતાના ધોરણે મેળવીને તેની ચાવી પરિવારને સુપરત કરતા પરિવાર ભાવુક થઈ ગયુ હતુ અને સતત ઉગ્રતા જોવા મળતી હોય તેવા પોલીસ મથકમાં ભાવભીનું વાતાવરણ સર્જાયુ હતુ. ફરિયાદી મીતેશભાઈ અને તેમની માતાએ આ અંગે કહ્યુ હતુ કે ‘આ અનુભવ બાદ તેમનો પોલીસ પર વિશ્વાસ વધુ મજબુત થયો છે, તેમણે માત્ર ડ્યુટી પુર્વક કામજ નહતુ કર્યુ પરંતુ અમને આ સ્થિતિમાં હિંમત પણ આપીને અને દબાણકારો ફરિ પરેશાન ન કરે તેવો આધાર પણ આપ્યો હતો. તેમણે આ કામગીરી માટૅ પીઆઈ જાડેજા સાથે એસપી અને પીઆઈ રાણાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અહિ નોંધવુ રહ્યુ કે પોલીસ પ્રશાસનની કામગીરી પર અવાર નવાર માછલા ધોવાતા રહેતા હોય છે. પરંતુ કેટલીક સારી બાબતો પણ બનતી રહે છે જે બહાર આવતી નથી. દેશના નિર્માણ સમયે પોલીસ પ્રશાસનનું માળખુ કાયદો વ્યવસ્થાના પાલન, લોકોની સુરક્ષા માટે રચાયુ હતુ. પરંતુ સમયાંતરે બનેલી ઘટનાઓએ સામાન્ય લોકો અને પોલીસ વચ્ચે એક અંતર પેદા કર્યુ હતુ. હવે બદલાતા સમય મુજબ પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસનો તંતુ વધુ મજબુત બને તે સ્વસ્થ સમાજ માટૅ આવશ્યક બન્યુ છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સેતુ બને છે.