કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા મૈયાના નીરથી છલકાતાં આજે ટપ્પર ડેમને વધાવવાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર વધામણાં કરવા સાધુ-સંતો, વિશાળ જનમેદની પહોચ્યાં ત્યારે હર્ષભેર ટપ્પર ડેમ ખાતે આનંદનો ઉત્સવ છવાઇ ગયો હતો.વિશાળ જળરાશીથી ભરેલાં ટપ્પર ડેમ ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના બાલકૃષ્ણ સ્વામિ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત તાલુકા પંચાયત પ્રમુખો સહિત ગાંધીધામ ચેમ્બર અને અંજાર-ગાંધીધામ નગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકોની હાજરી વચ્ચે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે વિધિવત પૂજનવિધિ બાદ પુષ્પો, લાલ ચુંદડી-નાળીયેર નર્મદા મૈયાની જળરાશીમાં અર્પણ કરી વધામણાં કરાયાં ત્યારે વિશાળ જનસમૂદા પણ ટપ્પર ડેમનાં છલકાતાં નર્મદા મૈયાના નીરના દર્શનથી આનંદવિભોર બની ઝૂમી ઉઠયો હતો. ડેમ સાઇટ ખાતે શમિયાણા ટપ્પર ડેમમાં નવાં નીરનાં વધામણાં સમારોહને સંબોધતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આવી પળો કચ્છ માટે ખૂબ ભાગ્યશાળી હોવાનું જણાવતાં ટપ્પર નદી જાણે ગંગા-જમનાજી જેમ વહી રહી છે, તેવો આનંદ-ઉત્સાહનો ભાવ વ્યકત કર્યો હતો.આ તકે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે મોડકુબા સુધી નર્મદા નીર પહોંચાડવાની રાજય સરકારની નેમ વ્યકત કરી ઉમેર્યું હતું કે, સમગ્ર કચ્છને પીવાનું પાણી પુરૂ પાડતાં કચ્છની જીવાદોરી ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરી દેવાનું સમણું સાકાર થતાં હવે શિણાય ડેમ અને રૂદ્રમાતા ડેમને પણ નર્મદા નીરથી ભરવાની પણ તૈયારીઓ આરંભાઇ હોવાનું જણાવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની તાજેતરની ભુજની મૂલાકાતની યાદ તાજી કરતાં તેમણે શિણાય ડેમને લીફટ ઇરીગેશન કરીને નર્મદા નીરથી ભરવાની કામગીરીની સાથે રૂદ્રાણી ડેમના છ કીલોમીટરના બાકી કામો કરવા સાથે પમ્પીંગ કરી નર્મદા નીર ઠાલવવાની રાજય સરકારની તૈયારી છે, તેમ જણાવ્યું હતું. આ તકે તેમણે ખેડૂતોને નર્મદાના પીવાના પાણી પહોંચાડવાની પાઇપલાઇન નાખવાની ચાલતી કામગીરી અને શિયાણ તેમજ મોડકુબા માટેની જમીન સંપાદનની કામગીરીમાં સહયોગ આપવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નર્મદે સર્વદે નારા સાથે આજનો દિવસ ગૌરવ લેવા જેવો સ્વપ્નને હકિકતમાં પલટાવતો ગણાવતાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી અને વડાપ્રધાન તરીકેનાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને આભારી હોવાનું જણાવ્યું હતું.