ગેરકાયદેસર રીતે વ્યાજવટાનો બેનંબરી ધંધો કરનારા બળૂકા તત્ત્વોની ઊંચા વ્યાજની ચુંગાલમાં ફસાયેલા અને ધાકધમકી તથા હુમલા સહિતની હરકતોનો ભોગ બનેલા અત્રેના એક યુવાને અંતે કાયદાનો સહારો લીધા બાદ પોલીસદળે જવાબદારો સામે વિવિધ કલમો તળે ફોજદારી ગુનો દાખલ કર્યો. ભુજમાં ભાજપ કચેરી પાસે વીડી હાઈસ્કુલ નજીક દાબેલી વેચી પેટિયું રળતાં ભુજના વિજય કરસનદાસ ઠક્કરે પાંચ લોકો વિરુધ્ધ ઊચા વ્યાજે નાણાં ધીરવા, વ્યાજ પરત મેળવવા માટ ધાક-ધમકી કરી મુઢ માર મારવા સહિતની કલમ તળે ફરિયાદ કરી છે.શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં રહેતા આ પ્રકરણમાં ભોગ બનેલા વિજય કરશનદાસ ઠકકરે આજે આ મામલે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો આર્થિક ખેંચ આવી પડતાં તેણે કુલ પાંચ શખ્સો પાસેથી અલગ અલગ સમયે ઊચા વ્યાજે નાણાં મેળવ્યા હતા. આ રીતે અંદાજે સવા લાખ રૂપિયા જેવી રકમનું લેણું થઈ ગયું હતું. જે શખ્સો પાસેથી તેણે વ્યાજે નાણાં મેળવ્યા હતા તેમાં આરોપી તરીકે સેવન સ્કાય હોટલ પાસેની શિવ આરાધના સોસાયટીમાં રહેતા મહેન્દ્રાસિંહ નામના શખ્સ ઉપરાંત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા પ્રહલાદાસિંહ જાડેજા, કૈલાસનગરમાં રહેતા પ્રિન્સ ગોહિલ, નવી રાવલવાડી ખાતે રહેતા હીરેન કોઠારી અને ઉમેદનગરમાં રહેતા અંકુર ઠકકરના નામ લખાવાયા છે. પોતે આર્થિક રીતે તૂટી ગયો હોઈ વ્યાજ આપી શકતો નહોતો. જેથી મહેન્દ્રસિંહ નામના આરોપીએ વ્યાજની વસૂલાત માટે તેને ગાળો બોલી મુઢ માર મારી ધાક-ધમકી આપી હતી. ગત ત્રીજી-ચોથી તારીખે પ્રિન્સ ગોહિલ અને હિરેન કોઠારીએ તેના ઘરે જઈ 10મી તારીખ સુધીમાં 20 હજાર રૂપિયા ના આપે તો ફરિયાદીનું એક્ટિવા સ્કુટર પડાવી લેવાની ધમકી આપી હતી ભુજ શહેર એ. ડિવિઝન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 384 સહિત ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ’ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વ્યાજવટાનો બેનંબરી ધંધો કરતા તત્ત્વોની કનડગત સહન કરતા આવતા ભોગ બનનારે અંતે કાયદાનું શરણું લેતાં આ ફોજદારી દાખલ કરાઇ હતી.”