ગાંધીધામમાં ધમધમતા વિસ્તારમાં કારમાંથી 3.85 લાખની રોકડ ચોરાઈ

સાંજના અરસામાં ગાંધીધામમાં ધમધમતા વિસ્તારમાં કારના કાચ તોડી લાખેણી રકમની તસ્કરી કરી જવાઈ હોવાના બનાવના પગલે સંકુલમાં ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવથી પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. કચ્છ કલા વિસ્તારમાં સાંજના 5.30 થી 6 વાગ્યાના અરસામાં ગણતરીની મિનિટોમાં તસ્કરીની આ ઘટનાને બાઈક ઉપર આવેલા બે શખ્સોએ અંજામ આપ્યો હતો. મળતી પ્રાથમિક વિગતો મુજબ ભચાઉ તાલુકાના જશોદાધામના રહેવાસી અને પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા ફરિયાદી નાનજીભાઈ બધાભાઈ રબારી ગાંધીધામમાં કચ્છ કલા પાસે ગાડી ઉભી રાખી ગાંધી માર્કેટ ખાતે આવેલી દુકાનમાં કોઈ કામ માટે ગયા હતા. આ સમયગાળાનો લાભ લઈ બાઈક ઉપર આવેલા હેલ્મેટ પહેરેલા બે અજાણ્યા શખ્સોએ જી. જે.12. બી. આર. 9695 નંબરની કારનો કાચ તોડી પાછળની સીટ ઉપર રાખેલી રૂા. 3.85 લાખની રોકડ રકમ ભરેલી થેલી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. દુકાનમાંથી પરત આવતા આ બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે એ.ડીવીઝન પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે આવી તપાસ આદરી હતી. ચોરીની આ ઘટના દુકાન ખાતેના સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ છે. રોકડ રકમ તફડાવી તસ્કરો રેડક્રોસ ચાર રસ્તા તરફ નાસી ગયા હતા. આ મામલે રાત્રિના ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *