ભુજ તા., અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લખપત તાલુકાના છેવાડાનાં ગામ લખપત મુકામે ગુરુદ્વારા ખાતે ખાસ યોજાયેલા મેગા કેમ્પમાં જી.કે. જનરલના ૮ જુદા જુદા વિભાગના તબીબો દ્વારા ૧૬૯ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પમાં આયોજિત કાર્યક્રમ ટાંકણે બાળરોગ, સ્ત્રીરોગ અને વાયરલનાં વધુ કેસ જોવા મળતા સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે સાવચેતી અને સારવાર અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે, લખપત તાલુકામાં નબળી રોગપ્રતિકારક શક્તિ અને ઋતુગત સ્થિતિને કારણે રોગચાળો વધુ જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા લેવાતા પગલાનો લાભ લઇ તે દુર કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પ્રેમકુમાર ક્ન્નરે સરકારની વિવિધ આરોગ્ય સેવા, આયુષ્યમાન કાર્ડ, બાલસખા યોજનાઓથી ગ્રામજનોને વાકેફ કર્યાં હતા. પશ્ચિમ કચ્છના નાયબ કલેકટર શ્રી સિદ્ધરાજ ગઢવી, દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડો.રોહિત ભીલ તથા લખપત તાલુકા વિકાસ અધિકારી શ્રી મયુર ભાલોડીયા તથા બી.એસ.એફ કમાંડન્ટ કે.એન.કુમાર તથા ડો.ખુશકુમાર ડાભી તથા લખપતના સરપંચશ્રી રમજાનભાઈ ઈસ્માઈલ સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લખપત નજીક આવેલા ૭૯ બી.એસ.એફ. બટાલીયનનાં પ્રાંગણમાં જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા બ્લડ કેમ્પ તથા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જી.કે.જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના ડો. અમિત મિસ્ત્રી, સર્જરી વિભાગના ડો. ઇશાંત ભાદરકા તથા ઓર્થો સર્જન ડો.સંજીવ અસ્તિ , આંખ વિભાગના ડો. ફહીમ મન્સૂરી, ઈ.એન.ટી. ડો.અંકુર ધનાણી, સ્ત્રીરોગ વિભાગના ડો. રિદ્ધિ ગોર, બાળરોગ વિભાગના ડો. નિખિલ, ડેન્ટલ વિભાગના ડો. સાહિલ મણિયાર સારવાર આપી હતી.