ખાવડા હત્યાનાં ચાર આરોપીઓને જનમટીપ : ભુજની સેશન્સ કોર્ટ નો ધાક બેસાડતો ચુકાદો

ગત તા.૭/૫/૨૦૧૫નાં રોજ ખાવડાના ઝહીરવાસ પાસે એક શખ્સની ઘાતકી રીતે હત્યા કરવાની ઘટના અન્વયે આજરોજ ભુજની સેશન્સ કોર્ટનાં જજ દ્વારા એકસાથે ૪ આરોપીને જનમટીપની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે, તો અન્ય એક આરોપીને ૩ વર્ષની કેદની પણ સજા ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની વિગત મુજબ ગત તા.૭/૫/૨૦૧૫નાં રોજ દિનારા ગામનાં ભીલાલ શકુર સમા તેના પિતા શકુર અલીમામદ સમા સાથે મોટર સાયકલ પર જઇ રહ્યા હતાં ત્યારે જાહીરવાસ પાસે આરોપીઓએ અગાઉના જગડાનું મનદુઃખ રાખીને મોટરસાઇકલ સાથે રીક્ષા ભટકાડી પાડી દઇ બંન્ને પર તલવાર, ધારીયા, કુહાડી, છરી જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં શકુર અલીમામદ સમાનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ત્રણ ભાઇઓને ઇજા થવા પામી હતી. આ સંદર્ભે તેમના દિકરા ભીલાલે પોલીસમાં ફરીયાદ નોંધાવતાં આરોપીઓ સામે ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦-બી, ૫૦૪ વગેરે કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ. જે સંદર્ભે છેલ્લા ત્રણ વર્ષથી ભુજની સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલુ હતી. આ ટ્રાયલ દરમ્યાન સરકારી વકીલ દ્વારા કુલ ૪૭ દસ્તાવેજી પુરાવા તેમજ ૨૦ સાક્ષીઓ રજુ કરવામાં આવ્યા હતાં. બંને પક્ષનાં વકીલોની દલીલના આધાર ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ.પટેલ દ્વારા ૧૬૩ પાનાંનો લંબાણપૂર્વકનો ચુકાદો આપ્યો છે. જેમાં ચાર આરોપી અજીત ઈસ્માઈલ સમા, સદ્દામ ઊર્ફે હુસેન અલાના સમા, વાહેદ ઈબ્રાહીમ સમા અને ઈબ્રાહીમ અલીમામદ સમાને આઈપીસી ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે હારૂન મામદ સમાને આઈપીસી ૩૨૪ હેઠળ ૩ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી અને મૂળ ફરિયાદી પક્ષ વતી એડવોકેટ હેમસિંહ ચૌધરી અને દિપક ઉકાણીએ ધારદાર દલીલો રજુ કરી હતી. ઉલ્લેખનીય છેકે, લાંબા સમય બાદ ભુજ કોર્ટ દ્વારા એક સાથે ચાર-ચાર આરોપીને અપરાધી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓના દંડની રકમમાંથી ભોગ બનનાર પરિવારને વળતર જિલ્લાનાં મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ મૃતક અને હુમલાનો ભોગ બનનારા લોકો નબળી આર્થિક સ્થિતિને ધ્યાને લઇને તેમને આર્થિક વળતર આપવા માટે અદાલતમાં અરજ કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દોષી ઠરેલાં તમામ અપરાધીઓને રૂ.૨૫-૨૫ હજારનો દંડ ફટકારી મૃતકના પરિવારને રૂ.૧.૨૫ લાખનું વળતર આપવા તેમજ હુમલામાં ઘાયલ થયેલા ભીલાલ શકુર, ગની શકુર, અલાના અબ્દુલા સમાને રૂ.૫-૫ હજારનું વળતર ચૂકવી આપવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.