ભચાઉના લાકડીયા નજીક રામદેવ હોટેલ પાછળ રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ છે, આજે સાંજે સવા છ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. 16 ગાયો ટ્રેકની આસપાસના પોલાણોમાં ઉગેલું લીલું ઘાસ ચરતી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ૩ ગાય ગંભીર રીતે ઘવાઈ છે. બનાવ અંગે જાણ થતાં અખિલ ભારતીય નવયુગ સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયાં હતા,આ બનાવના પગલે અડધા કલાક કરતાં વધુ સમયથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ બનાવના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી પ્રસરી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ બનાવ આજે સાંજે 6 વાગ્યાના અરસામાં લાકડિયા-શિવલખા વચ્ચે રેલવે ફાટક પાસે બન્યો હતો.અંદાજે 15 ગાયો પસાર થતી હતી તે અરસામાં ધસમસતી માલગાડી ગાયો ઉપર ફરી વળી હતી. ઘટનાસ્થળે જ 13 ગાય મોતના મુખમાં ધકેલાઈ ગઈ હોવાનું જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું, જ્યારે 3 ગાયને ગંભીર ઈજાઓ પહોંચતાં ભચાઉ પશુ સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હોવાના અહેવાલો સાંપડયા હતા. ઘટના અંગે સંસ્થાના પ્રમુખ રાજભા ગઢવીએ ટ્રેનના બેદરકાર ચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અગાઉ પણ ટ્રેનના ડ્રાઈવરોની બેદરકારીથી આ જ વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં 12થી 15 ગાયો મોતને ભેટી ચૂકેલી છે. આવી ગંભીર દુર્ઘટના સમયે રેલવે તંત્ર ડ્રાઈવરનો બચાવ કરીને કાયમ ઢાંકપિછોડા કરતું રહે છે.