પાકિસ્તાન આર્મીના બ્રિગેડીયર અને પાકિસ્તાનની મરીન સિકયુરીટીના ઉચ્ચ અધિકારીના નિરીક્ષણને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક
કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ મળ્યા પછી પણ પાકિસ્તાનની પૂંછડી વાંકીને વાંકી રહી હોય તેમ તેના લશ્કરી ઉબાડીયા ચાલુ છે. કાશ્મીર એલઓસી ઉપર પાકિસ્તાનની લશ્કર દ્વારા યુદ્ધવિરામના થઇ રહેલા ભંગ વચ્ચે કચ્છ સરહદે પાકિસ્તાની લશ્કરે મુવમેન્ટ વધારીને એલઓસી ઉપરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, છેલ્લા ત્રણેક મહિનામાં પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદની સામે પાર લશ્કરી હીલચાલ વધારવાનો આ ત્રીજી વખત પ્રયાસ છે. હાલમાં પાકિસ્તાની લશ્કર દ્વારા સિંધના કેટી બંદરે મરીન સિકયુરીટીની હીલચાલ વધારાઇ છે અને તેના ઉચ્ચ અધિકારીએ કેટી બંદરની મુલાકાત લીધી હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. એ જ રીતે, રાધાપીર આર્મી ચોકીમાં પાકિસ્તાની લશ્કરની જમાવટમાં વધારા સાથે હીલચાલ પણ વધી રહી છે. પાક આર્મીના બ્રિગેડીયર કક્ષાના અધિકારી દ્વારા સતત મુલકાત સાથે મોનીટરીંગ પણ થઇ રહ્યું હોવાના ઇનપુટ છે. જોકે, ભારતીય એજન્સીઓ સતત સાબદી છે અને સામે પારની હીલચાલ ઉપર નજર રાખી રહી છે.