એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માત ની ઘટનાઓ છાસવારે બનતી હોય છે” બસ ની મુસાફરી સલામતી ની સવારી” ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડાના મલેકપુર પાસે અને માલપુરના સજ્જનપુરા કંપા નજીક એસટી બસ ખાડામાં ઉતરી જતા બંને બસોમાં મુસાફરી કરતા મુસાફરોને સામાન્ય ઈજાઓ થવાની સાથે આબાદ બચાવ થયો હતો.ભિલોડા થી વાઘેશ્વરી જઈ રહેલી એસટી બસ મલેકપુર ગામ પાસે પડેલા ખાડાને લઈને બસ ખાડામાં ખાબકતા બસમાં મુસાફરી કરતા ૧૫ મુસાફરોએ બુમાબુમ કરતા ડ્રાઈવરે બસ પર કાબુ મેળવ્યો હતો ૪ મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા બસ ખાડામાં ઉતરી જતા આજુબાજુથી લોકો અને સરપંચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જાહેર રોડ પર પડેલ ખાડાઓ અંગે તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં ખાડા ન પુરાવામાં આળસ દાખવતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાનો રોષ ઠાલવ્યો હતો.અન્ય એક ભૂંજરી થી માલપુર જતી બસ સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા ખાડામાં પડતા બસમાં મુસાફરી કરી રહેલા ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ચિચિયારીઓ પાડી ઉઠ્યા હતા સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અરવલ્લી જીલ્લામાં થોડાક કલાકોમાં બે જુદા-જુદા સ્થળે એસટી બસ ખાડામાં ખાબકવાની અને પલ્ટી ખાઈ જવાની ઘટનાને પગલે એસટી તંત્રના અધિકારીઓમાં ભારે દોડધામ મચી હતી.