બોગસ પીયુસી કૌભાંડનો રેલો ભુજ અને ભુજપુર પહોંચ્યા બાદ આ પ્રકરણમાં ૩ શખ્સોની ધરપકડ કરાયા બાદ નવા કડાકા ભડાકા થયા હતા. જેમાં ભુજના વગદાર આરટીઓ એજન્ટ સુધી મામલો પહોંચતાં આ પ્રકરણમાં રાજકીય ગરમાવો પણ આવ્યો હતો. જોકે, ભુજ એ ડિવિઝન પીઆઇ મુલેન્દ્રસિંહ ચૌહાણે કડકાઈ સાથે તપાસને આગળ ધપાવી વધુ ત્રણ ની ધરપકડ કરી છે. જેમાં ભુજના આરટીઓ એજન્ટ હરિશ્વિદ્રસિંહ ઉર્ફે શકિતસિંહ હકુભા ઝાલા, દિપક હંસરાજ રાજગોર અને ઈમ્તિયાઝ ઇબ્રાહિમ સમાની ધરપકડ કરાઈ છે. બોગસ પીયુસી સર્ટી. દ્વારા અત્યાર સુધી ૧ કરોડ રૂપિયાનો ગોટાળો કરાયો હોવાનું અને તેમાં આરટીઓ કર્મીઓની સામેલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ પ્રકરણની વધુ તલસ્પર્શી તપાસ થાય તો કચ્છમાં પીયૂસીનું હજીયે બીજું કૌભાંડ નીકળે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.