ભાદરવો માસ પૂરો થવામાં છે છતાં હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સૌરાષ્ટ્ર અને તેને સંલગ્ન ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત શનિવારથી સૌરાષ્ટ્ર અને આસપાસ લો પ્રેશર એરિયા સર્જાઇ શકે છે અને તે આગામી ૪૮ કલાકમાં વધુ સક્રિય થશે. આ સ્થિતિને પગલે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના જામનગર-ભાવનગર-અમરેલી-ભાવનગર, ઉત્તર ગુજરાતના ગાંધીનગર-ખેડા-અમદાવાદ-આણંદમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ‘