સૌરાષ્ટ્ર-કચ્છનાં કારીગરોને સાંકળીને હસ્તકલા ક્ષેત્ર માટે નવા પ્રયાસો કરાશે

શ્રૃજન ખાતે કચ્છનાં હેન્ડીક્રાફટ સમુદાય દ્વારા
પૂર્વ કલેકટર રેમ્યા મોહનનું અભિવાદન કરાયું

શ્રુજન એલ.એલ.ડી.સી. ખાતે ગઇકાલ તા. ૨૪/૦૯/૨૦૧૯ નાં રોજ કચ્છના પૂર્વ કલેકટર શ્રીમતી રેમ્યા મોહનનું અભિવાદન કચ્છમાં કાર્યરત સંસ્થાઓના સહિયારા પ્રયાસ કચ્છ ક્રાફ્ટ ક્લેકટીવ, સરકારી વિભાગો અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ કચ્છ હેન્ડીક્રાફ્ટ મિત્ર તથા કચ્છના કારીગર સમુદાયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ સુશ્રી રેમ્યા મોહને કચ્છના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હસ્તકલા ક્ષેત્ર માટે તેમણે કરેલ કામગીરીની નોંધ લેવા અને તેમની સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કરવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છની હસ્તકલાઓ સાથે જોડાયેલા વિવિધ કારીગરો, હસ્તકલા સંગઠનો, સંસ્થો અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
કાર્યક્રમના પ્રારંભે મહેમાનો અને હસ્તકલાના કારીગરોનું શાબ્દિક સ્વાગત શ્રુજનના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અમીબેન શ્રોફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદાય લેતા કલેકટરશ્રી રેમ્યા મોહને કારીગરોના વિકાસ માટે અંગત રસ લઈને કરેલ કામગીરીની નોંધ લીધી હતી.
કચ્છના કારીગરો સાથે કામ કરતા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ વચ્ચે સંકલન માટેના ગ્રુપ “કચ્છ હેન્ડીક્રાફ્ટ મિત્ર”ની શરૂઆત અને તેના દ્વારા થયેલ કામગીરીનો પરિચય નાયબ કલેકટરશ્રી ગઢવી તથા ડી.સી.એચ.ના આસી. ડીરેક્ટર શ્રી રવિવીર ચૌધરીએ આપ્યો. તેમણે ભુજ હાટમાં સુવિધાઓ વધે, તેનું સંચાલન સ્થાનિકે થાય અને તે વધુ અને વધુ કારીગરોના ઉપયોગમાં આવે તે માટે સુશ્રી રેમ્યા મોહને જે પ્રયાસો સારું કાર્ય તેની માહિતી આપી.
કચ્છ ક્રાફ્ટ કલેકટીવ વતી શ્રી પંકજભાઈ શાહે આ પ્રયાસોને આગળ વધારીને કચ્છનું વહીવટી વધારે પરિણામલક્ષી કામગીરી કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે વિદાય લેતા કલેકટરશ્રી હસ્તકલાના કારીગરો પ્રત્યે ખુબ સંવેદનશીલ હતા તેમ જણાવી, તેમને આગળની કારકિર્દીમાં કારીગરો માટે ઉત્તમ કામ કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી.
આ પ્રસંગે વિવિધ હસ્તકલાના કારીગરો, કારીગરોના સંગઠનો જેવા કે, કચ્છ વિવર્સ એસોશીએશન, ભુજોડી વણકર સમાજ, કચ્છ બાંધણી હસ્તકલા એસોશીએસન, અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન વતી તેમજ હસ્તકલા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, સરકારી વિભાગો અને કારીગર સમુદાય તરફથી સંયુક્ત રીતે સુશ્રી રેમ્યા મોહનનું ‘તામ્રપત્ર’ આપીને સન્માન કરવામાં આવ્યું.
સન્માનનાં પ્રતિભાવમાં સુશ્રી રેમ્યા મોહને કહયું હતું કે, પોતે કચ્છ આવ્યા અને વિવિધ કારીગરો, સંસ્થો અને સરકારી વિભાગોને મળ્યા ત્યારે એક સંકલિત પ્રયાસોનો અભાવ દૂર કરવા સાથે તેમાંથી નવો માર્ગ શોધવા સંસ્થો, કારીગરો અને વિવિધ વિભાગોને એક મંચ પર લાવવા વિવિધ પ્રયાસોનો આરંભ કરીને પોતે પણ અંગત રીતે ઘણા કારીગરોને મળ્યા હતા અને કચ્છની કલાઓના સૌન્દર્યથી વાકેફ પણ થયા હતા.
કચ્છના નવનિયુકત કલેકટરશ્રીને તેમણે આ તમામ પ્રયાસો વિષે માહિતી આપી છે અને તેઓ સ્થાનિક સક્ષમ અધિકારીઓ સાથે આ પ્રયાસોને ખુબ સુંદર રીતે આગળ લઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છના સર્વ કારીગરોને સાંકળીને નવા પ્રયાસો કરાશે તેમ વધુમાં જણાવ્યું હતું.
જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કનક ડેરએ સુશ્રી રેમ્યા મોહને તેમના કાર્યકાળમાં અછત રાહત ક્ષેત્રે કરેલ ઉજ્જવળ કામગીરીની પ્રસંશા કરી જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળમાં શરુ થયેલા આ તમામ પ્રયાસોને પરિણામ લક્ષી બનાવવા અને કારીગરોની સમસ્યાઓ પર વધારે ઉંડાણથી અને સાર્વગ્રહી કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે કારીગરોના પ્રતિનિધિ તરીકે અજરખપુરના ડો. ઇસ્માઈલભાઈ ખત્રી, ભુજોડીના શ્રી દેવજી વાલજી વણકર, નામોરીભાઈ, પ્રેમજીભાઈ, શામજીભાઈ અને એસોશીએસનના પ્રમુખ શ્રી મેઘજીભાઈ વણકર, ચર્મકલાના કારીગર આંચલભાઈ અને કરણભાઈ સંજોત, ખરકી કલાના કારીગર જાનમામદ અને અયુબ લુહાર, બાટીક પ્રિન્ટના શકીલભાઈ ખાતરી અને ગુલામભાઈ, બાંધણીના કારીગર અમીનાબેન, ઈમ્તિયાઝભાઈ ખત્રી અને રોગન કળામાં પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી પરિવાર તરફથી આરબભાઈ અને સુમારભાઈ અને શ્રુજન, કસબ અને કળા રક્ષા સાથે જોડાયેલા ભરતકામના કારીગર બહેનોએ અને પ્રકૃતિવિદ્દ શ્રી અખિલેશભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના આયોજનની વિવિધ વ્યવસ્થા શ્રી રાજીવભાઈ ભટ્ટ, કિશોરભાઈ ભદ્રા, દાદુજી સોઢા, વિશાલભાઈ મકવાણા અને પરેશભાઈ માંગલીયાએ સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રુજન એલએલડીસી સમગ્ર ટીમે જહેમત ઉઠાવી.
કાર્યક્રમનું સંચાલન શ્રી ઘટિત લેહરૂ તથા સુશ્રી પંક્તિબહેન ધામેચાએ કર્યું હતું. આભારવિધિ શ્રી પુનીતભાઈ સોનીએ કરી હતી.