માતાના મઢ અને ભુજમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રિ શરૂ, માતાનામઢમાં ભક્તોની અભૂતપૂર્વ ભીડ જામી

કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે એક બાજુ યાત્રીકોનો પ્રવાહ ધમધમી રહ્યો છે. તો બીજીબાજુ શનિવારે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન સાથે જ નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ ગયો હતો. સાંજે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ભાવિકો જોડાયા હતા. ઘટ સ્થાપન વિધિ દેવકૃષ્ણ વાસુએ કરાવી હતી. તો ભુજના આશાપુરા મંદિરે સાંજે પોણાપાંચના શુભ મુહૂર્ત પૂજારી જનાર્દનભાઈ દવેએ વિધિવત શ્રીફળ કળશ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો. આઇશ્રી આશાપુરાના ચરણોમાં ઘટ સ્થાપન કરી સાંધ્ય આરતી ઉતારી ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવ દિવસ નોરતાની ત્રણેય પહોરની આરતીનો લાભ લેવા શ્રદ્ધાળુઓને આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે.
શનિવારે અધધ 40 હજાર યાત્રિકોએ દર્શન કરી પણ લીધા દેશદેવી મા આશાપુરાનો મહિમા અનેરો છે. વરસાદ વચ્ચે પણ દરરોજ હજારો ભક્તો નવરાત્રિ પહેલા જ માતાજીના દર્શન કરી રહ્યા છે. શનિવારે અધધ 40 હજાર ભાવિકોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યુ હતું. તો હાઇવે પર પદયાત્રીકો અને વાહનોની કતારો જોવા મળી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ નવરાત્રિ પહેલા જ હજારો યાત્રીકો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. તે પૂર્વે માતાનામઢ ખાતે હજારો યાત્રીકો પહોંચી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યાત્રીકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. શનિવારે તો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની કતારો લાગી ગઇ હતી. માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન પહેલા જ આ લાઇનો લાગી હતી. તો બીજીબાજુ પદયાત્રીકો અને વાહનોમાં આવેલા લોકોથી પણ માર્ગો પર ધમધમી ઉઠ્યા હતા. શનિવારે અંદાજે 40 હજાર યાત્રીકોએ દર્શન કર્યા હતા.મંદિરની સાથે માતાનામઢની બજારમાં પણ મેળા જેવો માહોલ છે. લોકો માતાજીની પ્રસાદી તથા અન્ય ધાર્મિક ખરીદી માટે ઉમટી રહ્યા છે. શનિવારે બજારમાં મેદની ઉમટી હતી. મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.