ભચાઉ તાલુકાના આધોઇ ગામ ખાતે મુંબઇ વસતા વેપારીના ઘરમાંથી ટીવી, ગેસનો ચુલો, બાટલો રેગ્યુલેટર સહિતની રૂ. 10,250 ની ઘર વખરીની ચોરીની ઘટના બાબતે તેમના ઘરની દેખરેખ રાખતી મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સામખિયાળી પોલીસે તમામ મુદ્દામાલ સાથે ગામના જ ચાર શખસોને પકડી લઇ એક જ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.આ બાબતે સામખિયાળી પોલીસ મથકના સિનિયર પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આધોઇના સેક્ટર 4 માં ધંધાર્થે મુંબઇ સ્થાઇ થયેલા બાબુભાઇ પરબતભાઇ ફુરિયાના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી રૂ. 10,250 ની કિંમતની ઘરવખરીની કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરી હોવાની ફરિયાદ બાબુભાઇના મકાનની દેખરેખ રાખતા દમુબેન વેલાભાઇ લુહારે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ સામખિયાળી પોલીસે સતત વોચ રાખી આ ચોરીને અંજામ આપનાર આધોઇ ગામમાં જ રહેતા હિતેષ કોરશીભાઇ મણકા, રમેશ મોહનભાઇ કોલી, લાલપુરી ભવાનપુરી બાવાજી અને અનિલ બાબુભાઇ લુહારને ચોરીમાં ગયેલી ગેસના બે બાટલા, ગેસનો ચુલો, ટીવી,ગેસનું રેગ્યુલેટર સહિતની રૂ.10,250 ની ચોરાઉ ઘરવખરી સાથે પડી લીધા હતા . આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડકોન્સટેબલ સુભાષ રાજગોર, ભરત જાદવ, યુવરાજસિંહ ઝાલા, કેતન પ્રજાપતિ,જયકિશનસિંહ ઝાલા અને રમેશ ચૌધરી જોડાયા હતા