મુન્દ્રમાં ત્યજી દેવાયેલી અજ્ઞાત બાળકીનું કરૂણ મોત નીપજ્યું

મુન્દ્રાના બારોઇ સ્થિત ખારી મીઠી મહાદેવ રોડ પરની સીમમાં કઠણ કાળજાની માતા દ્વારા ત્યજી દેવાયેલ અજ્ઞાત બાળકી એક માસની પ્રખર સારવાર બાદ જીકે જનરલ હોસ્પિટલમાં મોતને ભેટી હતી.સમગ્ર ઘટનાક્રમ મુજબ ગત તા 20/9ની સવારે મુન્દ્રાના ખારી મીઠી મહાદેવ તરફ જતા માર્ગ પરની સીમમાં સવારના 11.00 વાગ્યાની આસપાસ કોઈ અજ્ઞાત મહિલા તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં છોડીને પલાયન થઇ ગઈ હતી.ત્યારબાદ કુમળી વયની બાળકી ત્યાંથી પસાર થતા વેંટમાર્ગુઓની નજરે ચડતાં તેમણે 108 ને ઘટના સંબધિત જાણ કરી હતી.જેના પગલે 108 ના ચાલક અને તેની ટીમે માનવતાના ધોરણે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ એક લેડી કોન્સ્ટેબલની મદદથી બાળકીને વધુ સારવાર અર્થે ભુજ જીકે જનરલમાં ખસેડી હતી.ત્યાં તેની તબીયતમાં સુધારો જણાતાં તા 10/10 ના રોજ તેની સેવા શ્રુષુશા અર્થે ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રએ કબ્જો લીધો હતો.ત્યાં તેના લાલન પાલન દરમ્યાન 14/10ના રોજ નવજાત શિશુની તબીયત કથળતાં તેને ફરી સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.પરંતુ તબીબોની અથાગ મહેનત બાદ પણ ગત સવારે હતભાગી બાળકી મોતને ભેટી હોવાનું હોસ્પિટલના તબીબ ડો એબી યાદવે ઘોષિત કર્યું હતું .અત્રે નોંધનીય છે કે ઘટના સમયે સમગ્ર બનાવ અંગે મુન્દ્રા પોલીસે અજ્ઞાત મહિલા વિરુદ્ધ ગુનો દર્જ કર્યો હતો.