મોજમજા માટે નાણાં કમાવવા દ્વિચક્રી વાહનોની ચોરીઓના રવાડે ચઢી ગયેલી એક ત્રિપુટીના કારનામાનો પધ્ધર પોલીસે પર્દાફાશ કરી ચોરીની સાત મોટરસાયકલ કબ્જે કરી છે.આરોપીઓએ વાહનોના લાક તોડવા અને ઈગ્નિશીન કી વગર તેને સ્ટાર્ટ કરવાની તરકીબો યુટયુબ પર જોઈને શીખ્યાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પધ્ધર પોલીસે જૂની ધાણેટી ગામનાં કાનજી વાલજી છાંગા નામના ૨૩ વષય યુવકને ચોરાઉ બાઈક સાથે ઝડપ્યો છે.તેની પૂછતાછમાં તેના અન્ય બે સાગરિતોના નામ પણ ખુલ્યાં છે. જેમાં ભુજ તાલુકાના નાડાપા ગામના રાજેશ ભુરા ફુફલ અને ઉખડમોરાના એક કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે કાનજીની સઘન પૂછપરછ કરતાં તેણે છેલ્લાં બે માસ દરમિયાન દહિંસરા, ભુજ, અંજાર, ગાંધીધામાંથી ૫ બુલેટ સહિત કુલ ૯ વાહનો ચોર્યા હોવાનું કબૂલ્યું છે. જે પૈકી પોલીસે ૭ વાહનો કબ્જે કર્યા છે. મોજશોખ માટે પૈસા મેળવવા આ ત્રિપુટી વાહનચોરીના રવાડે ચઢી ગઈ હતી.