ભુજ તાલુકાના કેરા ગામે સામાન્ય ઘરેલુ બાબતે પોતાના ભાઇની પત્ની સાયદા સુમાર ચૌહાણને છરીના ઘા ઝીંકનારા પરિણીત યુવતીના જેઠ સલીમ રમજુ ચૌહાણને જિલ્લા અદાલતે એક વર્ષની કેદ અને રૂા. ત્રણ હજારના દંડની સજા કરી. આ ચુકાદામાં નીચેની કોર્ટએ તમામ આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકયા હતા પણ અપીલના કેસમાં જિલ્લા કોર્ટએ સલીમને આ સજા કરતો ચુકાદો આપ્યો હતો. કેરા ગામે વર્ષ 2013માં સાયદાબેન ચૌહાણ ઉપર તેના પતિ, જેઠ અને નણંદના પતિએ હુમલો કર્યો હતો. જેમાં જેઠ સલીમે છરીના ઘા માર્યા હતા. તેવો કેસ નોંધાયો હતો. આ પ્રકરણમાં ભુજની અધિક ચીફ કોર્ટ દ્વારા તમામ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયા હતા. આ ચુકાદા સામે સાયદાબેને અપીલ દાખલ કરી હતી. અધિક જિલ્લા ન્યાયાધીશ એમ.એમ.પટેલ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે આરોપીઓ પૈકીના સલીમને એક વર્ષની કેદ અને રૂા. 3000ના દંડની સજા કરી હતી. આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ ત્રણ મહિના કેદમાં રાખવા પણ ચુકાદામાં આદેશ કરાયો હતો. આરોપીઓ દ્વારા પ્રોબેશનનો લાભ મળવા અરજી કરાઇ હતી. પરન્તુ કોર્ટએ તેને રદ કરી હતી. આરોપી સલીમને સજા ભોગવવા માટે પાલારા જેલ મોકલી અપાયો હતો. આ કેસમાં સાયદાબેન ચૌહાણના વકીલ તરીકે દેવાયત એન.બારોટ સાથે ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, ચન્દ્રેશ ગોહિલ, રામ ગઢવી અને રાજેશ ગઢવી રહ્યા હતા.