આઈજી સુભાષ ત્રિવેદીનો વધુ એક ધડાકોઃ રાપર પીઆઇ સસ્પેન્ડ

ફરજ બજાવવામાં ચૂક કરનાર પોલીસ કર્મીઓ સામે આઈજી સુભાષ ત્રિવેદીએ કાયદાકીય રીતે કડક પગલાં ભરીને કાયદાનું કડકાઇથી પાલન કરવાનો સંકેત આપ્યો છે. ગઈકાલે આઈજી સુભાષ ત્રિવેદીના હુકમને પગલે પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે રાપરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી જે.એચ. ગઢવીને સસ્પેન્ડ કર્યા હતા. દારૂના ગુનાના આરોપીઓ વિરુદ્ઘ ચાલતા કોર્ટ કેસ દરમ્યાન ઇન્ચાર્જ પીઆઇ જે.એચ. ગઢવીએ સમયસર ચાર્જશીટ (ગુના અંગેનું તહોમતનામું) રજૂ કર્યું નહોતું. પોલીસ થાણાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે ગઢવીની બેદરકારીના કારણે દારૂના ધંધાર્થીઓને જામીન મળી ગયા હતા. આ બેદરકારીને પોલીસ ફરજ દરમ્યાનની ગંભીર ચૂક ગણીને તેમને સસ્પેન્ડ કરાયા હતા. આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છ બોર્ડર રેન્જનો કાર્યભાર સંભાળ્યા બાદ સાબરકાંઠાના ૬, અંજારના ૭ અને રાપરના એક સહિત ૧૪ પોલીસ કર્મીઓને ફરજમાં ચૂક કરવા બદલ સસ્પેન્ડ કરીને ખળભળાટ મચાવી દીધો છે.