કચ્છના રાજકીય આગેવાન સામે દિવ્યાંગ યુવતીની દુષ્કર્મની ફરિયાદઃ કલીપ વાયરલ કરવાની અને સૃષ્ટિ વિરુદ્ઘના કૃત્યના આક્ષેપથી સનસનાટી

કચ્છના માંડવી પંથકના રાજકીય આગેવાન અને પીપરી ગામના પૂર્વ સરપંચ વાલજી ભવાનજી સંદ્યાર વિરુદ્ઘ વિકલાંગ યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદે કચ્છના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. માંડવી પોલીસ મથકે દરશડી ગામની ૨૮ વર્ષીય વિકલાંગ યુવતીએ લખાવેલી ફરિયાદ ચોંકાવનારી છે. ૨૦૧૪ માં તે નોકરી મેળવવા માટે આ ફરિયાદી અકિલા યુવતી વાલજી ભવાનજી સંદ્યારના પરિચયમાં આવી હતી. જે દરમ્યાન તેણીને નોકરીની લાલચ આપીને વાલજી સંદ્યાર તે યુવતીને તત્કાલીન ધારાસભ્ય પાસે તેમ જ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. પરંતુ, નોકરીની લાલચ આપીને વાલજી સંદ્યારે આ વિકલાંગ યુવતીએ કરેલા આક્ષેપ મુજબ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. માંડવી ધર્મશાળા તેમ જ અન્ય સ્થળોએ આ યુવતીનું ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન આ રાજકીય આગેવાને સતત પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ હતું, એટલું જ નહીં પણ વીડીયો ઉતારી તે વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. તે યુવતીના મા બાપ તેમ જ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી રાજકીય આગેવાને સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય પણ આચર્યું હોવાનું અને પોતાને બેલ્ટ વડે માર મારી ધમકી પણ આપી હોવાનો ચોંકાવનારો આક્ષેપ ફરિયાદી યુવતીએ કર્યો હતો. માંડવી પંથકના આ રાજકીય આગેવાન ધારાસભ્યના ટેકેદાર હોઈ તેની સામે પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાનો આક્ષેપ કર્યા બાદ ફરિયાદી યુવતીએ હાઇકોર્ટમાં અને પશ્યિમ કચ્છ ડીએસપીને અરજી કરી હતી. જોકે, હવે પશ્યિમ કચ્છ પોલીસે આ અંગે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. આરોપી રાજકીય આગેવાનના પત્ની માંડવી તાલુકા પંચાયતના સદસ્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, કચ્છમાં ચકચાર સર્જતી આ ફરિયાદ અંગે માંડવી પોલીસે તપાસ શરૂ કરી છે.