માંડવીના સમુદ્રમાં દોડતી તમામ સ્પીડ બોટ બંધ કરાવાઇ

માંડવીના સાગરમાં પ્રવાસીઓને સહેલગાહ કરાવતી તમામ સ્પીડ બોટને વીમા કવચ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસ દ્વારા બંધ કરાવી દેવાઇ છે. દિવાળી વેકેશનના સમયે જ પગલું ભરવામાં આવતાં બીચ પર આવતા પ્રવાસીઓમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ન કરી શકવાનો વસવસો જોવા મળ્યો હતો.લાંબા સમયથી બીચ પર પરવાના વગર ચાલતી બોટ સામે એલસીબી, નાયબ કલેક્ટર અને સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હતી જેના પગલે સંચાલકો દ્વારા બોટને કવર વીટીને કિનારા પર ચડાવી દેવાઇ છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ સંચાલકો પાસે અગત્યના દસ્તાવેજો ન હોવાથી ઇન લેન્ડ વેસલ્સ એક્ટ મુજબ બોટને દરિયામાં ચલાવવાની મંજૂરી નથી. આ સંજોગોમાં તમામ બોટ બંધ કરવાની ફરજ પડી છે.જરૂરી તમામ દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં રજૂ કરીને બોટ ચલાવી શકાશે તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને બોટ ચલાવાશે તો તેને જપ્ત કરવામાં આવશે. આમ પોલીસે લાલ આંખ કરતાં સમુદ્રના બદલે કિનારા પર બોટ જોવા મળી રહી છે.